સુરતઃ અત્યારે કોરોના વાયરસની મહામારીના પગલે સમગ્ર વિશ્વના મોટાભાગના દેશોમાં લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે. તો મોદી સરકારે પણ કોરોના વાયરસ સામે લડવા માટે સાવચેતીના ભાગ રૂપે 21 દિવસનું લોકડાઉનની જાહેરાત કરી હતી. જેના પગેલ ઉદ્યોગ ધંધા બંધ થયા છે. જેની મોટી અસર કાગીગરો અને મજૂરોને પડી છે. લોકડાઉનની શરૂઆતમાં જ હજારો મજૂરો અને કારીગરો ચાલતા પોતાના વતન પહોંચ્યા હતા.


જોકે, તંત્ર વધારે કડક બનતા મજૂરો જ્યાં છે ત્યાં જ રહી ગયા છે. લોકડાઉનના સમયે સુરતમાં રહેતા હજારો ઓડિસાવાસીઓએ વતન પાછા ન જવા દેતા ઉશ્કેરાઈને આજે શુક્રવારે રાત્રે હંગામો મચાવ્યો હતો. સાથે સાથે મોટી સંખ્યામાં રોડ ઉપર ઉતરીને પોલીસ ઉપર પથ્થરમારો પણ કર્યો હતો. આ ઉપરાંત વતન પાછા જવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે. પોલીસે અનેક લોકોની અટકાયત કરી હતી.

મળતી વિગતો અનુસાર સરથાળા પોલીસ સ્ટેશન વિસ્તારના ડાયમંડ નગરમાં શનિવારે મોડી સાંજે કારીગરો અચાનક જ રસ્તા પર ઉતરી આવ્યા હતાં. આ કારીગરોની માંગ હતી કે રોજગાર અને ધંધો બંધ હોવાના કારણે તેમને વતન પરત જવા દેવામાં આવે. કારીગરોને સમજાવવા માટે પોલીસ મથતી રહી પરંતુ અંતે આ સમજાવટ ઘર્ષણમાં બદલી હતી અને કારીગરોએ પોલીસ પર જ પથ્થરમારો કર્યો હતો.

આ ઘટનાની જાણ થતાં જ અન્ય જગ્યાએ પેટ્રોલિંગ કરતો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 40,000 કરતા વધુ લોકો આ વિસ્તારમાં રહે છે અને આ લોકો પોતાના વતન પાછા જવા માટે પણ પ્રયત્નો કરી હર્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ સામે લડવા માટે તંત્ર દિવસ રાત એક કરે છે ત્યારે આટલી મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર ઉતરે ત્યારે કોરોના વાયરસનો ફેલાવાનો ખતરો વધી જાય છે.