સુરત: શહેરમાં વ્યાજખોરો સામે પોલીસ કમિશનરે લાલ આંખ કરી છે. સુરત શહેર ઝોન-05 વિસ્તારના ગેરકાયદેસર વ્યાજખોરો વિરુધ્ધ પોલીસનું હલ્લાબોલ કરી એક જ દિવસમાં 28 ગુના દાખલ કરી 28 વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી છે.


સુરત શહેરમાં રાજખોરીનું દુષણ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં વધી ગયું છે અને તેના કારણે ઘણા કિસ્સાઓમાં લોકો પોતાનું જીવન પણ ટૂંકાવી દેતા હોય છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી. જેમાં ગેરકાયદે વ્યાજખોરી કરતા વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ગેર કાયદેસર વ્યાજની પ્રવૃત્તિઓથી કેટલીક વાર સમાજમાં નિર્દોષ લોકો આત્મહત્યા કરવા સુધી પ્રેરાતા હોવાના બનાવો બનતા હોય છે. આવા સમયે કેટલીકવાર આખુ કુટુંબ આ પરિસ્થિતિનો ભોગ બનતો હોય છે. 


કેટલીકવાર ખુબ ઉંચા દરેથી વ્યાજ વસુલી કરી આવા ઇસમો મિલ્કત પચાવી પાડવી, આત્મહત્યા કરવા મજબુર કરવા વિગેરે જેવી ગુન્હાહીત પ્રવૃત્તિ કરતા હોય છે . અને આવા કુટુંબો આ પરિસ્થિતિનો ભોગ બનતા હોય છે. સુરત શહેરમાં વ્યાજના આતંકની પ્રવૃત્તિને અંકુશ લેવા માટે ઝોન 05 વિસ્તાર પોલીસ સ્ટેશનમાં ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે પાલ, અડાજણ, રાંદેર પોલીસ સ્ટેશનના તથા કે. ડીવીઝન સુરત શહેર તથા અમરોલી, ઉત્રાણ, જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા યાદી તૈયાર કરવામાં આવી હતી. 


સુરત શહેરમાં વ્યાજખોરો કેવી રીતે જરૂરિયાતમંદ લોકોનું શોષણ કરી રહ્યા છે તેને લઈને એક માહિતી તૈયાર કરવામાં આવી હતી. કોણ વ્યાજખોર કેવી રીતે રૂપિયા આપી રહ્યા છે, ક્યાં એકત્રિત થઈ રહ્યા છે, રૂપિયાની ઉઘરાણી કેવી રીતે કરી રહ્યા છે. આ તમામ નાની મોટી બાબતોને એકત્રિત કર્યા બાદ સુરત પોલીસ વ્યાજખોરો ઉપર ત્રાટકી.


એક દિવસીય ડ્રાઇવ દરમ્યાન કુલ 28 કેસો કરવામાં આવ્યા


સુરત શહેરના ઝોન 5માં આ એક દિવસીય ડ્રાઇવ દરમ્યાન કુલ 28 કેસો કરવામાં આવ્યા. 28 ગેરકાયદેસર વ્યાજખોરો સામે શાહકાર ધારા કાયદા હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ઉપરાંત નાણાંધીરનાર લાયસન્સ ધારક વિરૂધ્ધ પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની અને મત્તાનો મુદ્દામાલ રાખી મળી આવતા તેના વિરુધ્ધ ગુજરાત નશાબંધી ધારા એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ડ્રાઇવ દરમિયાન ડાયરી નંગ -32 , તથા તારીખ વગરના કોરા ચેક નંગ -3 મોબાઇલ નંગ -૦7, નાની- મોટી બુક નંગ -18 તેમજ રોકડા 38000 વિગેરે જેવી ચીજ, વસ્તુઓ, દસ્તાવેજો, કબજે કરવામાં આવેલ છે.


નિયમાનુસાર વ્યાજે રકમ લેવાનો આગ્રહ રાખવો જોઈએ


પોલીસ કમિશનર અજય તોમરે જાહેર જનતાને અપીલ કરી છે કે, પોતાનો રોજગાર, ધંધો કે બિમારીઓ માટે આર્થિક જરૂરીયાતો પૂરી કરવા બેન્ક સહકારી બેન્કો , મંડળી તથા અન્ય કાયદેસર ધીરધાર સંસ્થાઓ પાસેથી જ નિયમાનુસાર વ્યાજે રકમ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. એટલું જ નહીં લાયસન્સ વગર ગેરકાયદેસર વ્યાજખોરી કરતા ઇસમો વિરૂધ્ધ અવાર નવાર કડકાઇપૂર્વકની કાર્યવાહી કરવામાં આવશે. લાયસન્સ વગર વ્યાજનો ધંધો કરવો એ કાયદા વિરૂધ્ધની પ્રવૃત્તિ છે, ગેરકાયદેસર છે. આવી પ્રવૃત્તિ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.