સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આજે સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવમાં સંબોધન કર્યું હતું. સેન્ટ્રલ રિવોલ્વિંગ સ્ટેજ પરથી પીએમ મોદીએ યુવાના સાથે સંવાદ કર્યો હતો. અહી સ્ટેડિયમાં યુવાનોએ મોદી મોદી... અને નમો અગેનના નારા લગાવ્યા હતા. મોદીએ કહ્યું કે નૌજવાન દેશનું ભવિષ્ય છે અને આજે ઉત્સાહ અને ઉમંગથી ભરેલા આ યુવાનો વચ્ચે મને પણ એક નવો જોશ મળી રહ્યો છે. યુવાઓ સાથે સંવાદમાં વડાપ્રધાન મોદીએ સરકારની સિદ્ધીઓ ગણાવી અને નામ લીધા વગર નેહરૂ અને ગાંધી પરિવાર પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, ક્યારેય કોઈએ વિચાર્યું નહોતું કે ચાર પેઢીથી રાજ કરનારાઓને એક ચાવાળો પડકારી રહ્યો છે. જેમણે દેશને લૂંટ્યો છે તેમણે પરત આપવું પડશે.
પીએમ મોદીએ કહ્યું કે તમારો એક મત મને પાંચ વર્ષથી દોડાવી રહ્યો છે. મેરા ક્યાં, મુજે ક્યાં બે શબ્દો સામે અમારી લડાઈ છે. દેશ ગતિથી બદલાઈ રહ્યો છે. તમે જ મને જવાબદારી આપી છે. મારા કામને ગુજરાતીઓ જાણતાં પણ દેશમાં તમે જાણીતો કર્યો છે. દુનિયામાં આજે ભારતનો ડંકો વાગી રહ્યો છે. આજે જે પણ કામ કરું છું તે તમારા એક વોટના કારણે કરી રહ્યો છું. આ બધુ કરવાનું કામ રાત દિવસ દોડવાની પ્રેરણા આપે છે.
મોદીએ સંબોધન કરતા કહ્યું કે, સુરત વેપારીઓની ભૂમિ છે. વળતર અને ચક્રવૃધ્ધિ વ્યાજ મળ્યું કે નહીં તેવો સવાલ પુછતાં હાજર સૌ કોઈએ તાળીઓ પાડી ચીચીયારીઓ બોલાવી દીધી હતી. તેઓએ ક્હ્યું કે અમુકનો રડવાનો સ્વભાવ હોય છે પરંતુ અમારો સ્વાભાવ ચલાવવાનો છે. અમે શૌચાલય બનાવડાવ્યાં. લોકોને હાકલ કરતાં સબસીડી છોડી દીધી. અમે લોકોમાં આશા જગાડી છે. સવા સો કરોડ લોકોને સ્વપ્ન જોતા કર્યાં છે. મેરા ક્યાં ? મુજે ક્યાં ? ની સ્થિતિ બદલી છે.
એક યુવાને વોટબેન્કની રાજનીતિને લઇને પુછેલા સવાલનો જવાબ આપતાં પીએમ મોદીએ કહ્યું કે, અમારા માટે પક્ષથી મોટો દેશ છે એટલે આટલો ટૂંકો જવાબ પણ આપી શકાય. પરંતુ અમે દેશ માટે કંઈક કરવા માંગીએ છીએ. દેશના રાજનેતાઓની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી. બેંક એકાઉન્ટ ખોલાવ્યાં, સેનિટેશનની વ્યવસ્થા વગેરે કરી. લોકોએ મને મજા કરવા નથી મોકલ્યો, દેશ માટે મજૂરી કરવા માટે મોકલ્યો છે. દેશ માટે જે કરી શકું તે કરવા પાછળ નહીં પડું.
કોંગ્રેસ મુક્ત ભાજપ અને મહાગઠબંધન વિષેના સવાલના જવાબમાં મોદીએ કહ્યું કે, હું સામાન્ય પરિવારમાંથી આવું છું. મારે ગુમાવવા જેવું કશુ નથી. મારી કોઈ જાગીર નથી એટલે ડર પણ નથી. અને મેં ઉપરથી શરૂ કર્યુ છે ઝડપથી નીચે આવશે. પહેલા ચાર ચાર પેઢીથી શાસન કરનારાના નામ લેતાં પણ લોકો ડરતાં. આ લોકોએ દેશને 18 મહિના જેલમાં તબદીલ કર્યો હતો. આ લોકોને ચા વાળાએ પડકાર ફેંક્યો છે જે તેમને ગમતું નથી. પરંતુ આજે આ લોકો જામીન પર ફરે છે તમે જાણો છો. દરબારી લોકો પણ કોર્ટના ચક્કર કાપે છે. આ લોકોને વહેલા મોડું જેલ જવું પડશે. જેમણે દેશને લૂંટ્યો છે તેમને એક એક પાઈ પરત આપવી પડશે. પહેલા પણ બેઈમાનો ભાગતા પરંતુ હવે ભાગેડુઓની વિશ્વ આખામાંથી સંપતિઓ પાછી લેવાની કાર્યવાહી ચાલી રહી છે. સંબોધન પૂર્ણ કરતા પીએમે કહ્યું હતું કે, દેશના સવા સો કરોડ લોકોના હાથમાં મારું રિમોટ કંટ્રોલ છે.