Surat News: સુરતના વેસુ વીઆઈપી વિસ્તારમાં એક કરૂણ ઘટના બની છે. નવનિર્મિત ઈમારતના આઠમાં માળેથી પટકાતાં બે વર્ષીય બાળકનું કરૂણ મોત થયું છે. વ્હાલસોયાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટના ગઈકાલે સાંજે બની હતી. માતા-પિતા મજૂરી કામે ગયા ત્યારે બાળક આઠમા માળેથી નીચે પટકાયો હતો. જોકે સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું. ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં પત્ની સાથે ગરબા રમતો હતો પતિ, છાતીમાં દુઃખાવો ઉપડ્યો ને.....
હાલ નવલી નવરાત્રી ચાલી રહી છે. સાતમા નોરતાએ સુરતમાં એક કરૂણ ઘટના બની હતી. પત્ની સાથે ગરબા રમી રહેલા પતિનું તબિયત લથડતાં મોત થયું હતું. જેને લઈ શોકનો માહોલ છવાઈ ગયો છે. સુરતના લિંબાયતમાં પત્ની સાથે ગરબા રમતી વખતે તબિયત લથડતા પતિનું મોત થયું. પત્ની સાથે ઘરમાં જ ગરબા રમતી વખતે દિપક પાટીલને છાતીમાં દુઃખાવો ઉપડયો હતો. જેના કારણે બેભાન થઇ જતાં મોત નિપજ્યું હતું. યુવક ઘરના હોલમાં વચ્ચે ખુરશી મુકી પત્ની સાથે ગરબા રમી રહ્યો હતો. આ દરમિયાન તેની પત્ની થાકી જતાં સાઈડમાં બેસી ગઈ હતી પણ દિપક ઉત્સાહથી ગરબા રમી આનંદ માણી રહ્યો હતો. આ સમયે અચાનક જ દિપકની છાતીમાં દુઃખાવો થતા બેસી ગયો હતો અને તરત જ બેભાન થઈ જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. સ્મીમેર હોસ્પિટલ ખાતે દિપકનું પોસ્ટમોર્ટમ થયુ હતં. જેમાં તેના વિવિધ સેમ્પલોનો રિપોર્ટ આવ્યા બાદ હકીકત જાણવા મળશે. મૃતક મૂળ મહારાષ્ટ્રનો વતની હતો અને રત્નકલાકારનું કામ કરતો હતો. આ અંગે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે.
આણંદના તારાપુરમાં ગરબા રમતા રમતા યુવક મોતને ભેટ્યો
આણંદના તારાપુરમાં ગરબા રમતા રમતા યુવક મોતને ભેટ્યો હતો. યુવક ગરબા રમી રહ્યોં હતો તે સમયે બનાવ બન્યો હતો. તારાપુરના મોરજ રોડ ઉપર આવેલ શિવ શક્તિપાર્ક સોસાયટીમાં ગરબા રમતા ઘટના બની હતી. ગત 30 તારીખે રાત્રીના નવરાત્રી મહોત્સવ દરમ્યાન વિરેન્દ્રસિંહ રાજપૂત નામના યુવકને અચાનક ગરબા રમતા ઢળી પડયાનો વીડિઓ સામે આવ્યો છે. યુવકને ઘટના બનતાની સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ રસ્તામાં યુવક મોતને ભેટ્યો હતો. ચાલુ ગરબામાં યુવકના મોતનો બનાવનો વિડિયો તારાપુર પંથમા પ્રસરી જતા ગરબા મંડળોમા ઘેરા શોકની લાગણી પ્રવર્તી ગઈ હતી.