Surat News: હાલ નવલી નવરાત્રી ચાલી રહી છે. સાતમા નોરતાએ સુરતમાં એક કરૂણ ઘટના બની હતી. પત્ની સાથે ગરબા રમી રહેલા પતિનું તબિયત લથડતાં મોત થયું હતું. જેને લઈ શોકનો માહોલ છવાઈ ગયો છે.


ક્યાંની છે ઘટના


સુરતના લિંબાયતમાં પત્ની સાથે ગરબા રમતી વખતે તબિયત લથડતા પતિનું મોત થયું. પત્ની સાથે ઘરમાં જ ગરબા રમતી વખતે દિપક પાટીલને છાતીમાં દુઃખાવો ઉપડયો  હતો. જેના કારણે બેભાન થઇ જતાં મોત નિપજ્યું હતું. યુવક ઘરના હોલમાં વચ્ચે ખુરશી મુકી પત્ની સાથે ગરબા રમી રહ્યો હતો. આ
દરમિયાન તેની પત્ની થાકી જતાં સાઈડમાં બેસી ગઈ હતી પણ દિપક ઉત્સાહથી ગરબા રમી આનંદ માણી રહ્યો હતો. આ સમયે અચાનક જ દિપકની છાતીમાં દુઃખાવો થતા બેસી ગયો હતો અને તરત જ બેભાન થઈ જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો.  જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. સ્મીમેર હોસ્પિટલ ખાતે દિપકનું પોસ્ટમોર્ટમ થયુ હતં. જેમાં તેના વિવિધ સેમ્પલોનો રિપોર્ટ આવ્યા બાદ હકીકત જાણવા મળશે. મૃતક મૂળ મહારાષ્ટ્રનો વતની હતો અને રત્નકલાકારનું કામ કરતો હતો. આ અંગે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે.


ભારતે કેનેડાના ભગવદ ગીતા પાર્કમાં તોડફોડની કરી આકરી નિંદા


કેનેડામાં તાજેતરના સમયમાં ભારતીયો વિરુદ્ધ હેટ ક્રાઈમ સાથે જોડાયેલી ઘણી ઘટનાઓ સામે આવી છે. તાજેતરની ઘટનામાં કેનેડાના બ્રામ્પટન શહેરના એક પાર્કમાં તોડફોડની ઘટના પ્રકાશમાં આવી છે. આ પાર્ક 'ભગવદ ગીતા પાર્ક' તરીકે ઓળખાય છે. ભારતે આ ઘટનાની સખત નિંદા કરી છે અને તેને હેટ ક્રાઈમ ગણાવ્યો છે. કેનેડામાં ભારતીય હાઈ કમિશને પોલીસને આ મામલાની તપાસ કરવા અને ગુનેગારોને જલ્દી પકડવાની અપીલ કરી છે. આ બાબતે પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે શ્રી ભગવદ ગીતા પાર્કમાં કાયમી સાઈનબોર્ડ હજુ તૈયાર નથી. પાર્કમાં કોઇપણ પ્રકારની તોડફોડની કોઇ નિશાની મળી નથી.


ઓટાવામાં ભારતીય હાઈ કમિશને એક ટ્વિટમાં જણાવ્યું કે, "અમે બ્રામ્પટનના શ્રી ભગવદ ગીતા પાર્કમાં દ્વેષપૂર્ણ અપરાધની નિંદા કરીએ છીએ. અમે કેનેડિયન સત્તાવાળાઓ અને પોલીસને ગુનેગારો સામે તપાસ કરવા અને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરીએ છીએ." આ પાર્ક પહેલા ટ્રોયર્સ પાર્ક તરીકે ઓળખાતું હતું. તેનું નામ બદલીને શ્રી ભગવદ ગીતા પાર્ક રાખવામાં આવ્યું અને 28 સપ્ટેમ્બરે તેનું અનાવરણ કરવામાં આવ્યું.