સુરત : માતાની નજર સામે જ સુરતમાં ધોરણ-12ના વિદ્યાર્થીએ કોમ્પલેક્સની છત પરથી છલાંગ લગાવી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. સુરતના અડાજણના રાજહંસ વ્યુ કોમ્પ્લેક્સમાં હ્રદયદ્રાવક આપઘાતની ઘટના સામે આવી છે. ધોરણ-12ના વિદ્યાર્થીએ માતાની નજર સામે મોતની છલાંગ મારી આપઘાત કરી લીધો હતો. કોમ્પલેક્સની છત પર ચડેલા વિદ્યાર્થીને માતા સાદ પાડે અને દીકરો સાંભળે તે પહેલાં જ નીચે કુદી પડતાં મોત થયું હતું. દીકરાના મોતથી હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતાં. આપઘાત પાછળ પરીક્ષાના માનસિક તણાવ જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મરનારનું નામ શૌર્યમન મનીષ અગ્રવાલ (ઉ.વ.17) છે. આજે સવારે લગભગ 10થી 10:15 વાગ્યાના અરસામાં શૌર્યમન ઘરમાંથી માનસિક તણાવમાં લિફ્ટમાં બેસીને ધાબા ઉપર જતા માતા પાછળ દોડી હતી. પણ છત ઉપર ચઢેલા દીકરાને બૂમ પાડે એ પહેલાં જ શૌર્યમનએ માતાની નજર સામે છલાંગ મારતા માતા હેબતાઈ ગયા હતા. બૂમાબૂમ કરી દેતા સોસાયટીના લોકો ભેગા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં શૌર્યમનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા મૃત જાહેર કરાયો હતો.
પોલીસ તપાસમાં શૌર્યમન ધોરણ-12નો વિદ્યાર્થી છે. તેને એક નાનો ભાઈ છે. જે ધોરણ-10માં અભ્યાસ કરે છે. પિતા રઘુકુળ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. મૂળ રાજસ્થાનના વતની છે. આપઘાત પાછળનું હાલ કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. એટલું જ નહીં, પણ મૃતકના કાકા IT ઑફિસના કર્મચારી હોવાનું પણ જાણવા મળ્યું છે.
ભાજપના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડને થયો કોરોના
પંચમહાલ : શહેરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ કોરોના સંક્રમિત થયા છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી પોતે કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી આપી. તેઓના સંપર્કમાં આવેલ તમામ વ્યક્તિઓને કોરોના ટેસ્ટ કરાવવા માટે પણ કરી અપીલ. 9 ફેબ્રુઆરીના રોજ ગોધરા ખાતેની પંચમહાલ ડીસ્ટ્રક્ટ બેંકના વાસ્તુ પૂજનમાં સામેલ થયા હતા.
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિલ જોશીયારાની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવીરહ્યા છે. છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમિત કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશીયારાને વધુ સારવાર અર્થે ચેન્નઈ લઈ જવાયા છે. જોશીયારા 10 દિવસથી સિમ્સમાં વેન્ટીલેટર પર હતા. પરંતુ ફેફસાં કામ ન કરી શકતા તેમને એરએમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ ખસેડાયા છે. જ્યાં એકમો ટેકનિક દ્વારા તેમની સારવાર કરાશે.
નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરમાં મંત્રી જીતુ ચૌધરી, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય અક્ષય પટેલ, ધારાસભ્ય શૈલેશ મહેતા, ધારાસભ્ય અજમલજી ઠાકોર, ધારાસભ્ય પ્રતાપ દુધાત, સાંસદ પૂનમ માડમ સહિત અન્ય ધારાસભ્યો, નેતાઓ ઉપરાંત કાર્યકરો પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. ડૉ.અનિલ જોશીયારા કોંગ્રેસમાંથી સતત ચાર ટર્મથી વિજય મેળવી ભિલોડા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.