સુરતઃ શહેરના વેસુ વિસ્તારમાં આવેલા ફ્લેટમાંથી 20 વર્ષીય યુવતીની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. યુવતીએ આત્મહત્યા કરી કે પછી તેની હત્યા કરવામાં આવી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. યુવતીના ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘરમાં તપાસ કરતાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, સુમન આનંદ આવસના E બિલ્ડીંગના ફ્લેટ(રૂમ) નંબર 503માંથી મિઝોરમની આશા સારકી નામની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. રહિશોને બંધ ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયરબ્રિગેડે દરવાજો ખોલતા કોહવાયેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર સાથે આવેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બે દિવસોથી આશાનો ફ્લેટ બંધ રહેતો હતો. તેમજ અંદરથી ભયંકર દુર્ગંધ આવી રહી હોવાથી પાડોશીઓ દ્વારા પોલીસને જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડ સહિત પોલીસે ઘટના સ્થળે આવીને દરવાજો તોડતા અંદરથી મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. સાથે જ આજુ બાજુ મોટા પ્રમાણમાં દારૂ ની બોટલ પણ મળી આવી હતી. હાલ ઉમરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.