સુરત: સુરત શહેરમાં  હચમચાવી દેનારી ઘટના બની છે.  સુરતના કતારગામમાં માતા અને બે પુત્રીએ ઝેરી દવા પી સામૂહિક આપઘાત કર્યો હતો. જેમાં માતા અને એક શિક્ષક પુત્રીનું મોત થયું છે. જ્યારે ડોક્ટર પુત્રીની હાલત ગંભીર છે. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે, હાલ સામૂહિક આપઘાતનું કારણ સામે આવ્યું નથી.


પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, ડોક્ટર યુવતી દર્શનાએ માતા અને બહેનને ઉંઘની દવાનું ઇંજેક્શન આપ્યું હતું. તેમજ આ પછી પોતે પણ ઉંઘની ગોળીઓ ખાઈને આપઘાત કર્યો હતો. દર્શનાએ માતા-બહેનને ઇંજેક્શનમાં વધુ માત્રામાં દવા આપતાં તેમનું મોત નીપજ્યાનું પોલીસને જણાવ્યું હતું. 


પોલીસને દર્શના સાડાંગરે લખેલી એક ચીઠ્ઠી પણ મળી આવી છે, જેમાં તેમણે લખ્યું છે. માતા અને બહેન સાથે મારી ખુબ જ લાગણી છે, તેઓ મારા વગર રહી શકશે નહીં એટલે ઇન્જેક્શન આપ્યું છે.


રક્ષાબંધનના તહેવારના દિવસે જ આ પ્રકારની ઘટનાને લઇને અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે. 59 વર્ષીય માતા મંજુલાબેન કાંતિભાઈ સોડાંગર અને 28 વર્ષીય ફાલ્ગુનીનું મોત નીપજ્યું છે. ફાલ્ગુની વ્યવસાયે શિક્ષક હોવાનું જાણવા મળ્યું છે. દર્શના જે ડોક્ટર તરીકે ફરજ બજાવે છે તેની સ્થિતિ હાલ નાજૂક છે. ક્યા કારણસર આપઘાત કરવામાં આવ્યો છે તે અંગે કોઈ માહિતી મળી નથી.


પ્રજાપતિ સમાજમાં એકાએક બનેલી ઘટનાને લઇને સમગ્ર સમાજમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. રક્ષાબંધનના દિવસે જ આ પ્રકારની ઘટના બની છે તેને લઈને પારિવારિક કંકાસ હોય શકે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ક્યા કારણસર આપઘાત કરવામાં આવ્યા છે તેને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી છે.


પોલીસે જણાવ્યું હતું કે, ડોક્ટર દીકરી દર્શના જીવનથી કંટાળી ગઈ હતી. માતા અને બહેન તેમની પર ડિપેન્ડન્ટ અને લાગણીથી જોડાયેલા હતા. તેમની સાથે એમના ભાઈ-ભાભી રહેતા હતા. પરંતુ ત્રણ દિવસથી ભાઈ-ભાભી બહાર હતા. જેથી સાથે આપઘાતનું પગલું ભર્યું હતું.