સુરતઃ પાલનપુર ગામમાં રહેતા જમીન દલાલની પત્ની સાથે પૂર્વ પડોશીએ મિત્રતા કેળવી પરાણે શારીરિક સંબંધો બાંધી પરણીતાના અશ્લીલ વીડિયો અને ફોટા લઈ લીધા હતા અને તેમજ આ ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પરણીતા સાથે વારંવાર પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે, પૂર્વ પાડોશીથી કંટાળેલી પરણીતા અડાજણ પોલીસમાં પહોંચતા સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, પાલનપુર ગામમાં રહેતા જમીન દલાલ વર્ષ 2013માં 31 વર્ષીય પત્ની અને બે સંતાન સાથે પાલનપુર-ઉગત કેનાલ રોડ પર રહેતા હતા. અહીં આરોપી સાથે તેમનો પરિચય થયો હતો. આરોપી પરણીતાનો પીછો કરતો હતો. તેમજ પરણીતા નોકરી કરતી હતી ત્યાં પણ પહોંચી ગયો હતો. આ સિવાય પરણીતા એક દિવસ ઘરે એકલી હતી, ત્યારે તેના ઘરે પહોંચી ગયો હતો અને પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો. તેમજ શરીરસંબંધની માંગણી કરી હતી.
આ સમયે પરણીતાએ ઇનકાર કરી દેતાં આરોપીએ પરણીતાના પતિને ફોન કરીને બદનામ કરવાની ધમકી આપી હતી અને લગ્ન તોડાવી નાંખવાનું કહ્યું હતું. આથી પરણીતા ડરી ગઈ હતી અને તેનો લાભ લઈ યુવકે તેની સાથે પરાણે શરીરસુખ માણ્યું હતું. તેમજ પરણીતાના અશ્લીલ વીડિયો અને તસવીરો પાડી લીધી હતી. આ પછી તો યુવક બેફામ બની ગયો હતો અને તે વાયરલ કરવાની ધમકી આપી ઇચ્છા થાય ત્યારે પરાણે શારીરિક સંબંધો બાંધતો હતો.
આમ, પરણીતાને બ્લેકમેલ કરી યુવકે વારંવાર શરીરસુખ માણ્યું હતું. એટલું જ નહીં, આરોપીએ પરણીતા પાસે ફ્લેટ ખરીદવા એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. પરણીતાએ બદનામીના ડરે પોતાના ઘરેણાં ગીરવે મુકી તેને રૂપિયા આપ્યા હતા. આરોપીથી કંટાળી પરણીતાએ પોતાનું ઘર પણ બદલી નાંખ્યું હતું. આમ છતાં યુવકે તેનો પીછો છોડ્યો નહોતો. તેમજ તેને ફોન કરીને સરનામું માંગ્યું હતું અને ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. અંતે કંટાળેલી પરણીતાએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે.