સુરતઃ નિષ્ઠુર જનેતાએ ટ્વિન્સ બાળક-બાળકીને તરછોડી દીધા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. નવી સિવિલમાં નવજાતને ત્યજી માતા ભાગી છુટી છે. પ્રસૂતિ સમયે પતિનું નામ પૂછતાં યુવતીએ ડોક્ટરોને લાત મારી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ખટોદરા પોલીસે ફૂલ જેવા બે બાળકોને ત્યજી દેનારી માતાની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગેની વિગતો એવી છે કે, એક યુવતી નવી સિવિલ ખાતે પ્રસૂતિ માટે આવી હતી. જ્યાં યુવતીએ ટ્વીન્સને જન્મ આપ્યો હતો. જેમાં એક બાળક અને એક બાળકી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, યુવતી પ્રસૂતિ માટે આવતાં ડોક્ટર્સ દ્વારા તેમને તેમના પતિ અંગે પૂછવામાં આવ્યું હતું. જોકે, આ સમયે યુવતી ઉશ્કેરાઇ ગઈ હતી અને ડોક્ટરને લાત મારી હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે. જોકે, પ્રસૂતિ પછી યુવતી ફરાર થઈ ગઈ છે.
યુવતી ફરાર થઈ જતાં હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે નિષ્ઠુર જનેતાની તપાસ આદરી છે.