સુરતઃ શહેરના અડાજણમાં યુવકે શિક્ષિકા સાથે પડાવેલા ફોટા પતિ અને સબંધીઓને મોકલી આપવાની ધમકી આપી વારંવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવકની હરકતોથી કંટાળીને અંતે યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોબાઈલ પર ફોન- મેસેજ કરીને મિત્રતા કેળવી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, શિક્ષિકાને પાલનપુરના યુવકે મોબાઇલ પર મેસેજ અને ફોન કરીને મિત્રતા કેળવી હતી. તેમજ યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે મોબાઇલમાં સંમતિ વગર જ ફોટા પાડી લીધા હતા. આ ફોટા યુવતીને બતાવી તેના પતિ અને સંબંધીઓને મોકલી આપવાની ધમકી આપી હતી.
આ ફોટા મોકલીને બદનામી કરવાની ધમકી આપીને યુવકે યુવતીનો લાભ ઉઠાવવાનો શરૂ કર્યો હતો તેમજ તેને અલગ અલગ જગ્યાએ લઈ જઈને પરાણે શારીરિક સંબંધ બાંધતો હતો. પરણીતાએ એવી પણ ફરિયાદ કરી છે કે, યુવકે તેને અવાર-નવાર રસ્તામાં રોકીને ગાળો બોલતો હતો. એટલું જ નહીં, તેને તમાચા પણ માર્યા હતા.
પરણીતાએ યુવકે અવાર-નવાર અલગ અલગ જગ્યાએ લઈ જઈ મરજી વિરુદ્ધ શરીરસંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ કરી છે. પોલીસે પીડિતાની ફરિયાદને આધારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.