Surat News: ચોમાસામાં મોટાભાગે પાણીજન્ય રોગોમાં વધારો થતો હોય છે, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સુરત સિવિલ હોસ્પિટલમાં આંખ આવવાના (કન્જેકટીવાઇટીસ) કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્રણ દિવસમાં માત્ર નવી સિવિલ હોસ્પિટલમાં જ 375થી વધુ કેસ નોંધાઇ ગયા છે.


રોજ 90થી100 કેસ આવી રહ્યા છે


સુરતમાં છેલ્લા અઠવાડિયાથી આંખ આવવાના કેસો દેખાઈ રહ્યા છે. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં આ કેસોમાં વધારો જોવા મળ્યો છે. સિવિલ હોસ્પિટલમાં આવેલી આંખની ઓપીડીમાં હાલ આંખ આવવાના દદીઓથી ફૂલ દેખાઈ રહી છે. રોજ 125થી વધુ કેસો સામે આવી રહ્યા છે.


આંખના કેસોમાં વધારો થયો


આંખના ડિપાર્ટમેન્ટના હેડ ડો. પ્રીતિ કાપડિયાએ કહ્યું કે હાલ શહે૨માં આંખના કેસોમાં વધારો થયો છે. આ વાયરલ ઇન્ફેક્શન હોવાના કારણે ખૂબ જ ઝડપથી ફેલાય છે. એડીનો વાયરસ, ઇકો વાયરસ, કોકાઈ વાયરસ અને ફ્લૂ જેવા ઘણા વાયરસથી કન્જેકટીવાઇટીસ થાય છે.


બાળકોથી લઈને વડીલો સુધી ચેપ ફેલાયો


હાલ મોટી ઉંમરના લોકોની સાથે બાળકોમાં આ બીમારી જોવા મળી રહી છે. હાલ આ ‘એડીનો વાયરસ’ના ચેપને કારણે કન્જેકટીવાઇટીસ કેસ વધ્યા છે. સામાન્ય રીતે આ વાયરસ ખૂબ ઝડપથી ફેલાય છે. કોઈના સંપર્કમાં આવવાથી જેને આંખ આવી છે, હાથનો સ્પર્શ અથવા વસ્તુઓના સ્પર્શથી પણ આ બીમારી થાય છે.


ડોક્ટર પાસે તપાસ કરાવવા સલાહ


હાલમાં લોકોમાં લાલ આંખ દેખાય તો તેઓએ તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. એકવાર તો ડોક્ટરને મળીને તેઓએ પોતાની આંખની તપાસ કરાવી જોઈએ. ઘરમાં કોઈ મેમ્બરને પણ આંખ આવી હોય તો દવા અવશ્ય લેવી જોઈએ અને આંખ આવવાની પરિસ્થિતિ પાંચ દિવસથી લઈને અઠવાડિયા સુધી રહેતી હોય છે.


સુરત બાદ અમદાવાદમાં પણ આંખ આવવાની બીમારી વધી છે. કન્જેક્ટિવાઇટિસ ચેપ બાળકોથી વડીલો સુધી ઝડપથી ફેલાયો છે. સોલા સિવિલમાં દર્દીઓની લાઈન જોવા મળી છે. સામાન્ય દિવસ માં માત્ર બે થી ત્રણ કેસ પરંતુ અત્યારે 40 થી 50 કેસ આવી રહ્યા છે. વાઇરલ ઇન્ફેક્શન હોવાના કારણે ખૂબ જ ઝડપથી ફેલાય રહ્યો છે. હાથનો સ્પર્શ અથવા વસ્તુઓના સ્પર્શથી પણ આ બીમારી થાય છે. નાના બાળકોમાં આંખની બીમારી વધુ જોવા મળે છે.