સુરત: જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવ પછી સુરતમાં કોરોનાની સ્થિતિ બગડી રહી હોય તેવું લાગી રહ્યું  છે. કોરોનાના કેસોમાં વધારો થતાં તંત્ર પણ ચિંતિત બન્યું છે. અગાઉ કોરોનાના એક સાથે વધુ કેસો આવતાં જે બિલ્ડિંગો સીલ કરી દેવામાં આવી હતી, ત્યાં વધુ કેસો મળી આવ્યા છે. પીપલોદ વિસ્તારમાં આવેલ આવિષ્કાર રેસિડેન્સીમાં 5 બાળકો સહિત 11ને કોરોના થતાં સીલ કરવામાં આવી હતી. અહીં 44 ફ્લેટના 150 રહીશો ને ક્વોરન્ટાઇન કરાયા છે. ત્યારે આ રેસિડેન્સીમાં વધુ 3 કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં બે બાળકો અને એક વયસ્કનો સમાવેશ થાય છે. આમ, આવિષ્કાર રેસિડેન્સીમાં કુલ 14 કોરોના પોઝિટિવ થયા છે. 


આ  સિવાય, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) વિસ્તારમાં આવેલા અઠવા ઝોનમાં આવેલ મેઘ મયુર એપાર્ટમેન્ટ સીલ કરાયું છે. 2 દિવસમાં 9 કોરોના પોઝિટિવ આવતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)એ એપાર્ટમેન્ટ સીલ કરી દીધું હતું. મેઘ મયુર એપારમેન્ટમાં વધુ એક વ્યક્તિને કોરોના થતાં કુલ 12 કોરોના પોઝિટિવ દર્દી થયા છે. 


મેઘ મયુર એપાર્ટમેન્ટમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના ગાર્ડ તૈનાત કરાયા છે. આ એપાર્ટમેન્ટમાં બહારથી કોઈને અંદર પ્રવેશ નહીં અપાય અને એપાર્ટમેન્ટની બહાર કોઈ પણ વ્યક્તિને જવા નહીં દેવાય. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના રાંદેર ઝોનમાં આવેલા પાલ વિસ્તારની એક સોસાયટીમાં એક સાથે 4 કોરોના પોઝિટિવ કેસ આવતાં ત્યાં પણ ગાર્ડ તૈનાત કરાયા છે.


નોંધનીય છે કે, શહેરમાં ઓગસ્ટમાં જ્યાં 75 કેસ હતા ત્યાં સપ્ટેમ્બરમાં 103 થઈ ગયા છે. આમ એક જ મહિનામાં કોરોના વકર્યો છે. અઠવાડિયામાં 11 કેસ આવ્યા છે. જેમાંથી 3 ફલેટમાં 2-2 મળી 6 કેસ છે. જ્યારે બાકીના 5 એક જ પરિવારના છે. જેમાંથી ચાર કેસ બુધવારે આવ્યા છે. આ 4 કેસમાં ચારેય બાળકો છે. જેમાં 2ની ઉંમર 10, 1ની 11 અને 1ની 5 વર્ષ છે. 11 કેસમાંથી એક 42 વર્ષિય મહિલાએ ઘરમાં શ્રીજીની સ્થાપના કરી હતી અને તેઓ એપાર્ટમેન્ટમાં કોમન બેસાડેલા ગણપતિમાં જતા હતા. આ મહિલા સૌ પ્રથમ પોઝિટીવ આવી હતી. પાંચ ધન્વંતરી રથ મુકીને ટેસ્ટીંગ કરાયું હતું. હજુ 30નો RT-PCR રિપોર્ટ બાકી છે.આવિષ્કારના 11 કેસ માંથી 18 વર્ષથી મોટા 6 અને 5 બાળકો છે. 18થી વધુ વયના 6 પૈકી 5 જણાંએ બંને ડોઝ લઇ લીધા છે, જ્યારે એકનો સેકન્ડ ડોઝ બાકી છે. 5 બાળકો સ્કૂલે જતા નથી. ઘરેથી ઓનલાઇન શિક્ષણ લઇ રહ્યા છે, જ્યારે 1 બાળક ઘોડદોડ રોડ પર ઘરે ટ્યુશને જતો હતો ત્યાં શિક્ષકનું ટેસ્ટીંગ કરાતાં રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.