સુરતઃ ગુજરાતમાં 6 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે તેથી રાજ્યના બે મુખ્ય રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા તેજ બની છે.


ભાજપ હજુ ઉમેદવારોની પસંદગી અંગે મનોમંથન કરી રહ્યો છે ત્યારે  ગુજરાત કોંગ્રેસે સોમવારે વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, રાજકોટ મહાનગરપાલિકાના કેટલાક વોર્ડના ઉમેદવારોની જાહેરાત કરી છે.

સુરતમાં કોંગ્રેસે 53 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં સેક્સ સીડી કાંડમાં ફસાયેલા પાટીદાર નેતા કાછડિયા દિનેશને પણ ટિકિટ ફાળવવામાં આવી છે. દિનેશ કાછડિયાને વોર્ડ નંબર 5માંથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ પ્રથમ યાદીમાં 27 મહિલાને પણ ટિકિટ આપી છે.



નવા સીમાંકન મુજબ સુરતમાં મહાનગરપાલિકાના 30 વોર્ડ બનાવવામાં આવ્યા છે. જેમાં 120 બેઠકો કાઉન્સિલરની રાખવામાં આવશે. આમ એક વોર્ડ અને 4 કાઉન્સિલરનો વધારો થશે. મનપાની 120 બેઠકોમાંથી 3 બેઠક શિડ્યુલ કાસ્ટ અને તેમાંથી બે બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.ચાર બેઠકો શિડ્યુલ ટ્રાઈબ માટે અનામત રાખવામાં આવી છે જેમાંથી બે બેઠક મહિલાઓ માટે રહેશે. 12 બેઠકો બેકવર્ડ કલાસ માટે રખાઈ છે. જેમાંથી 6 બેકવર્ડ ક્લાસની મહિલાઓ માટે અનામત રહેશે.જ્યારે કુલ 120 બેઠકોમાંથી 60 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.