Surat : સુરત મહાનગર પાલિકાની ગઇકાલે યોજાયેલ સામાન્ય સભામાં હંગામો થયો હતો. બોલવા નહીં દેવાયાના આક્ષેપ કરનારા વિપક્ષીઓને ટીંગાટોળી કરી સામાન્ય સભામાંથી બહાર કઢાયા હતા. મેયરને ઉદ્ધત જવાબ આપનારા વિપક્ષી સભ્ય મહેશ અણઘણ સસ્પેન્ડ કરાયા હતા. એક પણ​​​​​​​ કામ પર ચર્ચા વગર 42 મિનિટમાં સભા સમેટાઈ. પાલિકાની સામાન્ય સભાના શૂન્ય કાળ દરમ્યાન થયેલી શાબ્દિક ટપાટપીના પગલે શાસકો-વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપ થયા હતા. 


સભામાં ઝીરો અવર્સમાં બોલવાની તક ન મળતાં વિપક્ષે હંગામો મચાવ્યો હતો. સભામાં ઝીરો અવર્સ શરૂ થતાં વિરોધ પક્ષે ચર્ચામાં બોલવાની તક આપવા માંગ કરી હતી.  કોર્પોરેટર ગેમર દેસાઇએ કટાક્ષ કરતાં કહ્યું કે, સરસ્વતી માતા કમળ પર બિરાજમાન છે. આગામી કાળીચૌદશે જેવી રીતે કકળાટ કાઢવા ચાર રસ્તા પર `ઝાડુ` નાંખવામાં આવે છે તે રીતે ગુજરાતભરમાંથી કકળાટ કાઢવાનો છે.


ઝીરો અવર્સમાં શાસક નેતા અમિત રાજપૂતે કહ્યું કે, હું શપથ લઉં છું કે, બ્રહ્મા, વિષ્ણુ મહેશ તમામ ભગવાનને માનું છું. ભાજપ એક હાથમાં વિકાસ તો બીજા હાથમાં ધર્મ લઇને ચાલે છે. બીજી તરફ વિપક્ષે ધર્મની રાજનીતિ બંધ કરી વિકાસ પર ચર્ચા કરવાનું કહી હંગામો કર્યો હતો. જોકે ત્યાં સુધી સભાધ્યક્ષે શૂન્ય કાળની અવધિ પૂર્ણ કરી વિરોધ પક્ષને સતત બીજી સામાન્ય સભામાં બોલવાની તક ન આપતાં વિપક્ષ લાલચોળ થઇ ડાયસ સુધી ધસી ગયો હતો. 


આ સમયે વિપક્ષે નીચે બેસી નારેબાજી પણ કરી હતી. તો સામે પક્ષે ભાજપ દ્વારા ‘ખાલીસ્તાન મુર્દાબાદ’ જ્યારે આપ દ્વારા ‘જય શ્રી રામ’ના નારાથી ગૂંજી ઊઠી હતી. અણઘણે લખ્યું ‘તાકાત ન હોય તો રાજીનામું આપો’ વિપક્ષે હંગામો કરતા સભાધ્યક્ષે કોર્પોરેટર મહેશ અણઘણને સસ્પેન્ડ કર્યાં હતાં. જેનું કારણ અણઘણે લેખિત પ્રશ્નનો જવાબ ન મળતાં કાગળ પર ‘જો જવાબ દેવાની તમારી પાસે તાકાત ના હોય તો મેયર પદ પરથી રાજીનામુ આપીને નીચે સાથે બેસી જવું જોઈએ’ તેવું લખ્યાનું મેયરે જણાવ્યું હતું.


વિપક્ષ સભ્યોએ માર્શલોને ધક્કે ચઢાવ્યા હતા.સિક્યુરિટી-માર્શલોએ વિપક્ષના સભ્યોને ટીંગાટોળી કરી બહાર કાઢ્યા હતાં. માર્શલ સ્ટાફને ધક્કે ચઢાવી આક્ષેપ કર્યો હતો કે માર્શલ અને ચીફ સિક્યોરિટી ઓફિસર નાયક શાસકોના ઈશારે જ કામ કરે છે. વિપક્ષના મહિલા સભ્યએ મહિલા ગાર્ડને બચકાં ભર્યાનો આરોપ કરાયો હતો.