Surat Crime News: સુરતમાં વધુ એકવાર સ્ટેટ મૉનિટરિંગ સેલના દરોડા પાડ્યા છે, આ વખતે એસએમસીની ટીમે શહેરના લિંબાયત વિસ્તારમાં ધમધોખતા જુગારધામ પર દરોડા પાડ્યા છે. આ દરોડાની કાર્યવાહી દરમિયાન વિજિલન્સ ટીમે કુલ 7 જુગારીઓને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. અચાનક થયેલી આ દરોડાની કાર્યવાહીથી સ્થાનિક લિંબાયત પોલીસ ઊંઘતી ઝડપાઇ છે. લિંબાયત પોલીસ અને જુગારીઓ વચ્ચે પણ ધરોબો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 


આજે અચાનક વિજિલન્સ ટીમે સુરતમાં ધમધમી રહેલા જુગારધામ પર દરોડાની કાર્યવાહી કરી હતી, આજે શહેરના લિંબાયત વિસ્તારમાં આ કાર્યવાહી દરમિયાન લિંબાયત પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. સ્ટેટ વિજિલન્સની ટીમે લિંબાયતમાં અચાનક જુગારધામ પર દરોડા પાડ્યા હતા, જેમાં સંજયનગર ખાતે ચાલતુ મોટું જુગારધામ ઝડપી પાડ્યું હતુ. આ જુગારધામ લિંબાયત સબ પૉસ્ટ ઓફીસ સામે જ ખુલ્લા પ્લૉટમાં ચાલી રહ્યુ હતુ, આ કાર્યવાહીમાં સ્ટેટ વિજિલન્સની ટીમે ૭ જુગારિયાઓની ધરપકડ કરી હતી, અને એકને વૉન્ટેડ જાહેર કરાયો હતો. 


ખાસ વાત છે કે, અહીં કેટલાક લુખ્ખા તત્વો પોલીસને ગેરમાર્ગે દોરીને આ જુગારધામ ચલાવી પોતાના રોટલા શેકી રહ્યાં હોવાની પણ વાત સામે આવી છે. આ લોકો લિંબાયત પોલીસ સ્ટેશનમાં પડ્યા-પાથર્યા રહેતા હોવાની પણ ચર્ચાઓ છે. 


સ્ટેટ મોનીટરીંગ ટીમનો સપાટો, હાઇવે પરથી 50.40 લાખનો દારૂ ઝડપી પાડ્યો 


નવસારી હાઇવે પર સ્ટેટ મોનીટરીંગ ટીમે સપાટો બોલાવ્યો છે.  લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસની SMC ટીમે હાઇવે પરથી 50.40 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે.  નેશનલ હાઇવે નંબર 48 પર નવસારીના નવજીવન હોટલ પાસેથી SMC ટીમે 50.40 લાખનો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો છે.  ટેમ્પામાંથી લાખોનો દારૂ મળતા ચાલક ફારૂક મોઇલાની  ધરપકડ કરવામાં આવી છે. વિદેશી દારૂનો જથ્થો ગોવાથી ગુજરાતના હાલોલ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે પાયલોટિંગ કરનાર અલ્લારખા સહિત દારૂ ભરાવનાર, ટેમ્પો માલિક, દારૂ મંગાવનાર મળી કુલ 4 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.  પોલીસે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


મહેસાણામાંથી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું હતું


મહેસાણાના કડી-થોળ રોડ પર આવેલી એન. કે. પ્રોટીન નામની કંપનીના પાર્કિંગમાંથી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું હતું.  સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી દારૂ ભરેલું ટેન્કર ઝડપી લીધું હતું. હરિયાણાના આ ટેન્કરમાં 37 લાખ, 18 હજારની કિંમતનો દારૂ લવાયો હતો. દારૂના જથ્થા સાથે 2 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી.  ખૂબ જ મોટા પ્રમાણમાં દારુ મળી આવતા સ્ટેટ મોનિટરિંગ સેલ પણ ચોંકી ગયું હતું. હાલ તો દારુના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આટલો મોટો દારુનો જથ્થો કોણે મંગાવ્યો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી. 


ભાવનગરમાંથી દારુનું ટેન્કર ઝડપાયું હતું


સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ અમદાવાદ ગ્રામ્ય, બોટાદ અને ભાવનગર જિલ્લામાં દારૂના ગુના શોધવા પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન ભાવનગરના બુટલેગરે વિદેશી દારૂનું ટેન્કર મંગાવ્યું હતું. તેની બાતમી પોલીસની મળી હતી.  હરિયાણા પાસીંગનું સફેદ કલરનું ઓક્સિજન ટેન્કર ધોલેરા, પીપળીથી ભાવનગર તરફ જઈ રહ્યાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ધોલેરા-ભાવનગર હાઈવે પર ભડભીલ ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં સાંજના ૭-૪૦ કલાકના અરસામાં  બન્ને બાજુ ઈનોક્સ એર પ્રોડક્ટ્સ, પાછળના ભાગે ઓક્સિઝન રેફ્રિજરેટેડ લિક્વિડ અને ઓક્સિજન લિક્વિડ લખેલું ટેન્કર  નં.એચઆર.૬૫.એ.૮૨૬૨ ટોલબુથ આગળ પહોંચતા સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે તેને રોકી ડ્રાઈવરને નીચે ઉતારી પૂછતાછ કર્યા બાદ દારૂનો ખૂબ મોટો જથ્થો હોવાની શખ્સે કબૂલાત આપી હતી. જેથી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કર્યા બાદ સનેશ પોલીસના બે કોન્સ્ટેબલને સ્થળ પર બોલાવી ડ્રાઈવરને પોલીસ જાપ્તામાં રાખી ટેન્કરને સનેશ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં લઈ જવાયું હતું.