Surat: કેજરીવાલ સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમનો એક વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. વાયરલ વીડિયોમાં મંત્રી દેવી-દેવતાઓને નહીં માનવાના શપથ લેવડાવતા દેખાઈ રહ્યા છે. જે બાદ ગુજરાતમાં રાજનીતિ તેજ થઈ છે. ગુજરાતના વિવિધ શહેરોમાં આમ આદમી પાર્ટી વિરોધી બેનરો લાગ્યા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને મુસ્લિમ ટોપી પહેરાવી બેનરમાં ફોટો છાપ્યો છે. કેજરીવાલના ફોટા સાથેના બેનરમાં ''હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ભગવાન માનીશ નહિ'' તેવું લખવામાં આવ્યું. આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર તેવું બેનરમાં લખવામાં આવ્યું છે.
આજે સુરતના લિંબાયતમાં મોટી સંખ્યામાં બજરંગ સેના દ્વારા અરવિંદ કેજરીવાલનો વિરોધ કરવામાં આવ્યો છે. લીંબાયતના મહારાણો ચોક ખાતે કેજરીવાલનો વિરોધ કરવામાં આવ્યો હતો. બેનરમાં ગુજરાતમા આપની સરકાર એટલે હિન્દુ ધર્મ પરિવર્તનની 100 ટકા ગેરંટી લખેલા બેનર દર્શાવીને વિરોધ કર્યો હતો. વિરોધકર્તાઓ દ્વારા કેજરીવાલ મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા.
કેજરીવાલના કંસવાળા નિવેદન પર પાટીલે શું કર્યો વળતો પ્રહાર ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો હજુ જાહેર થઈ નથી ત્યાં નેતાઓના વાણી વિલાસ થવા લાગ્યા છે. ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગઈકાલે વડોદરામાં તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો. આ દરમિયાન રોડશોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કેજરીવાલે 1 કિ.મી.નો રોડ શો કર્યો હતો. કેજરીવાલે કેમ છો સાથે સંબોધન શરૂ કર્યું હતું. કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, હું કટ્ટર ભક્ત છું. મારો જન્મ જન્માષ્ટમી દિવસે થયો હતો. ભગવાને મને કંસની ઓલાદોનો નાશ કરવા અને આ લોકોથી મુક્તિ અપાવવા મોકલ્યો છે. હવે જનતા પરિવર્તન માગે છે. મને ગમે તેવી નફરત કરો, પણ ભગવાનનું અપમાન કરશો તો ભગવાન નહીં છોડે.
પાટીલે શું કર્યો પ્રહાર
કેજરીવાલના કંસના નિવેદન અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જડબાતોડ જવાબ આપ્યો છે.. કેજરીવાલને જુઠ્ઠુ બોલવાવાળા વ્યક્તિ ગણાવીને કેજરીવાલે ગુજરાતના લોકોને કંસ કહ્યા હોવાનું પાટીલે નિવેદન આપ્યુ.. સાથે જ ગુજરાતના લોકોને કંસ ગણાવનાર કેજરીવાલની હજુ સુધી ગુજરાતની જનતાએ પ્રવેશ બંધી નથી કરી તેમ કહીને પાટીલે ગુજરાતની પ્રજાને સારી ગણાવી.