Surat Corona Cases:  રાજ્યમાં છેલ્લા થોડા સમયથી કોરોના કેસ વધી રહ્યા છે. અમદાવાદની સાથે અન્ય શહેરોમાં પણ કોરોના કેસ વધી રહ્યા છે. સુરતમાં વધતા કોરોનાના કેસોને લઈને મનપાનું આરોગ્ય વિભાગ એલર્ટ સ્થિતિમાં છે. શહેરમાં કોરોના દર્દીઓના ઘરની બહાર હોમ ક્વોરેટાઇનના બોર્ડ લગાવવાનું શરૂ કર્યું છે. રાંદેરની શ્રીજી નગર સોસાયટીમાં એક વ્યક્તિ કોરોના પોઝિટિવ થતા હોમ ક્વોરેન્ટાઇનના બોર્ડ લગાવવામાં આવ્યા છે. ઉપરાંત પરિવારનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ સિવાય શહેરના લીંબાયત વિસ્તારમાં પણ હોમ ક્વોરેન્ટાઇનના બોર્ડ લાગ્યા છે. રવિવારે સુરતમાં કોરોનાના 8 કેસ નોંધાયા હતા, જે બાદ એક્ટિવ દર્દીઓની સંખ્યા 50 પર પહોંચી છે.


ગુજરાતમાં શું છે સ્થિતિ


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 133 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ 70 કેસ નોંધાયા છે. મહેસાણામાં 16, સુરત શહેરમાં 8 , રાજકોટ અને વડોદરા શહેરમાં 6-6 કેસ નોંધાયા છે. તો બીજી તરફ  હાલ 5 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. આ સાથે રાજ્યમાં કુલ 740 એક્ટિવ કેસ થઈ ગયા છે.  રવિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં 294 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 48 દર્દીઓ સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં રાજ્યમાં 12,66, 929 દર્દીઓએ કોરોનાના માત આપી છે. તો બીજી તરફ આજે રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. 


દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ


દેશમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે અને કેસમાં વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 918 નવા કેસ નોંધાયા છે, એક્ટિવ કેસ વધીને 6350 થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.08 ટકા છે, જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 0.86 ટકા છે. અત્યાર સુધીમાં 92.03 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 44,225 ટેસ્ટ કરાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 479 લોકો કોરોથી સાજા થયા છે અને કુલ 4,41,59,182  લોકો કોરોના સામે જંગ જીત્યા છે.


દિલ્હીની મેદાંતા હોસ્પિટલના અધ્યક્ષ રણદીપ ગુલેરિયાએ ખાસ વાત


એક્સપર્ટ ડોક્ટરોની ટીમ દ્વારા ડોક્ટરની સાથે સાથે દર્દીઓ માટે પણ વાયરલ ઇન્ફેક્શનના કિસ્સામાં કયા પ્રકારે તકેદારી રાખવી જોઈએ તે માટેની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ બાબતે એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરતા દિલ્હી AIMS ના પૂર્વ ડાયરેક્ટર અને હાલ દિલ્હીની મેદાંતા હોસ્પિટલના અધ્યક્ષ રણદીપ ગુલેરિયાએ ખાસ વાત કરી. જેમાં તમને કહ્યું કે કોરોના બાદ જોવા મળી રહેલા વાયરલ ઇન્ફેક્શન એ નવી વાત નથી પહેલા પણ આ પ્રકારના ઇન્ફેક્શન આવતા રહ્યા છે. પરંતુ આ પ્રકારના ઇન્ફેક્શનથી બચવા માટે જેવી રીતે કોરોના દરમિયાન લોકોએ કોવિડ અનુરૂપ વ્યવહાર કર્યો હતો, એટ્લે કે માસ્ક સેનિટાઈઝર અને વારંવાર હાથ ધોવા એ બાબતોની ખાસ ધ્યાન રાખવું પડશે.