સુરત: દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે પીએમ મોદી દ્વારા વધુ 19 દિવસનું લોકડાઉન એટલે કે 3 મે સુધી લંબાવાની જાહેરાત કરવામાં આવી હતી. તેના બાદ આજે સાંજે સુરતના વરાછા વિસ્તારમાં ભોજન અને પૈસા ન હોવાની ફરિયાદ અને વતન જવાની માંગ સાથે કામદારોની ભીડ ભેગી થઈ ગઈ હતી અને હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના દજાગરા પણ ઉડ્યા હતા.

મોડી સાંજે વરાછાના બરોડા પ્રેસ્ટીજ પાસે મોટી સંખ્યામાં કામદારો એકઠા થયા હતા અને ભોજન ન મળતુ હોવાની ફરિયાદ કરી હંગામો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં એકઠી થયેલી ભીડના કારણે સોશિયલ ડિસ્ટસિંગ જાળવવુ અશક્ય દેખાયું.



ભોજન ન મળતુ હોવાની રાવની વચ્ચે હકિકત એ પણ છે કે સુરતમાં કામદારોને મોટા ભાગે માર્ચ મહિનાનો પગાર પણ ચૂકવાઈ ચૂક્યો છે. એટલુ જ નહી કામદારોના ભોજનની વ્યવસ્થા માટે શહેરભરમાં 300થી વધુ સેવાભાવી સંસ્થાઓ કાર્યરત છે. કેમ કે સુરતમાં દસ લાખ જેટલા કપડા ઉદ્યોગ સાથે જોડાયેલા કામદારો છે જે પૈકી પાવરલુમ્સ સાથે જોડાયેલા કામદારો આ વિસ્તારમાં રહે છે ત્યારે કામદારોના હોબાળા પાછળ તેમની ખુટેલી ધીરજ જવાબદાર હોય શકે છે. કેમ કે લોકડાઉનના 21 દિવસ પૂરા થયા બાદ લોકડાઉનની સમય મર્યાદા ફરી વધારાઈ છે.



ખાસ કરીને ઉત્તર ભારત અને ઓડિસાથી આવીને વસેલા આ કામદારો પોતાના વતન જવા માગતા હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે. પોલીસે સમયસર પહોંચીને સ્થિતિ સંભાળી હતી. જો કે 10 તારીખે પણ આ જ પ્રકારના દ્રશ્યો સુરતમાં જોવા મળ્યા હતા. પોલીસ એ લાઈન પર પણ તપાસ કરી રહી છે કે ક્યાંક તોફાની તત્વો સ્થિતિનો ગેરલાભ ઉઠાવી તો નથી રહ્યાને.