Surat: સુરતના વેસુમાં બે વૈભવી કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરના વેસુમાંથી બે કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો. 45 લાખની બે લક્ઝરિયસ કારની એસીમાંથી 1.63 લાખનો વિદેશી દારૂ સાથે 3 યુવકની ધરપકડ કરવામાં આવી હતી.




વેસુ વિલા ફાર્મ હાઉસ તરફના રસ્તા પર બે યુવકો દારૂનું કાર્ટિંગ કરતા હોવાની પોલીસને માહિતી મળ હતી. જેના આધારે પોલીસે મોડી સાંજે દરોડા પાડ્યા હતા. દરમિયાન મર્સિડીઝ કારમાં તપાસ કરતા એસીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. નજીકમાં થાર કારમાં તપાસ કરતા તેમાંથી પણ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી વેસુ પોલીસે મર્સિડીઝના ચાલક મનિષ મનોહરસિંઘ, થારચાલક રાજેશ મુરારી શર્મા અને ચંકી સુરેશ પટેલની ધરપકડ કરી હતા. મર્સિડીઝ કારનો માલિક સચિન હાઉસિંગ બોર્ડમાં રહેતો હોવાની માહિતી મળી છે. મધ્યપ્રદેશથી મિત્રની કારમાં દારૂ લઈ લાવ્યા હતા.


આ મામલે એક આરોપીને સબજેલમાં ધકેલાયો હતો જ્યારે અન્ય બે આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.


નોંધનીય છે કે બે દિવસ અગાઉ છોટાઉદેપુર જિલ્લામાં બોલેરો જીપમાં દારૂ ભરીને જતા બૂટલેગરોએ પોલીસને કચડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બુટલેગરોને રોકવા માટે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. બુટબેલરો દારૂ લઇને છોટાઉદેપુરથી બોડેલી તરફ જઈ રહ્યા હોવાની જાણકારી પોલીસને મળી હતી. જેના કારણે પોલીસે બુટલેગરોને પકડવા માટે વોચ ગોઠવી હતી. પરંતુ બુટલેગરોએ પોલીસને કચડવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પોલીસે ગાડીની મદદથી બુટલેગરોનો પીછો કર્યો હતો. લગભગ 20 કિલોમીટર સુધી ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. દરમિયાન બુટલેગરોએ બચવા માટે પોલીસની ગાડી પર દારૂની બોટલો ફેંકી હતી.


બુટલેગરોને પકડવા માટે પોલીસે તમામ જગ્યા પર પોલીસ તૈનાત કરી હતી. બુટલેગરોની ગાડીને પકડવા માટે  રતન પુર પાસે પોલીસે એક ટ્રકને રસ્તા વચ્ચે આડી ઉભી કરી હતી.  પરંતુ બુટલેગરની ગાડી સાઇડમાંથી નીકળી ગઇ હતી. દરમિયાન પોલીસે તેમને રોકવા માટે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છતાં પણ બુટલેગરો ઉભા રહ્યા નહોતા. બાદમાં બુટલેગરોની કાર રતનપુરથી આગળ કાચા રસ્તા પર ફસાઇ જતા કાર મુકીને ફરાર થઇ ગયા હતા. જોકે બુટલેગરોને પકડી પાડવા માટે પોલીસે આખી રાત જહેમત ઉઠાવી અને આખરે ત્રણ બુટલેગરોને ઝડપી લીધા હતા.