સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં ફરી લૂંટેરી દુલ્હનનો આતંક સામે આવ્યો છે. યુવક સાથે લગ્ન કરી રાત્રે તિજોરીમાંથી રૂપિયા સહિત 4.50 લાખનો મુદ્દા માલ લઈ ફરાર થઈ ગઈ હતી. મૂળ મહારાષ્ટ્રની યુવતીએ 20 જેટલા લોકો સાથે આ જ રીતે લગ્ન કરી પોતાના શિકાર બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે. સરથાણા પોલીસે ગુનો નોંધી આરોપી યુવતીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. સુરતના વરાછામાં પણ બે દિવસ અગાઉ આ જ રીતનો લૂંટેરી દુલ્હન વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
સુરતના સરથાણામાં રહેતો યુવક રત્ન કલાકાર છે. તેમના સંબંધીની સુરતમાં દુકાન છે. આ દુકાને મૂળ મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના લાડખેટ થાનાના બાનાયત ગામની વતની મમતા દૌરાણી (21 વર્ષ) ખરીદી માટે આવતી હતી. આ સમયે યુવતીએ પોતાના માટે સારો યુવક બતાવવા દુકાનદારને કહ્યું હતું. આથી આ સંબંધીએ સરથાણાના યુવકને લગ્ન માટે વાત કરી હતી. તેમજ મમતાની યુવક સાથે મુલાકાત કરાવી હતી. મમતાએ કહ્યું કે તેના લગ્ન થયા છે પરંતુ પતિથી ડિવોર્સ લેવાની છે. ત્યાર બાદ તે લગ્ન કરશે.
આ અંગે યુવકે પણ તૈયારી બતાવતા ગત 4 ફેબ્રુઆરીના રોજ વાડીમાં લગ્ન કરી લીધા હતા. આ પછી બંને સારી રીતે રહેવા લાગ્યા હતા અને તેમનો સંસાર પણ સારી રીતે ચાલી રહ્યો હતો. દરમિયાન 7 એપ્રિલે યુવકની ફોઈની દીકરીનું મામેરુ હોય યુવકના પિતાએ 30 ગ્રામનું મંગળસૂત્ર બનાવડાવ્યું હતું. તેમજ ઘરમાં બીજા ઘરેણાં અને રોકડા 1.50 લાખ રૂપિયા હતા.
ગત 25 માર્ચે રાત્રે મમતા ઘરમાંથી ઘરેણાં અને રોકડા મળીને 4.50 લાખ રૂપિયા લઈને નાસી ગઈ હતી. સવારે યુવકે પત્નીને ન જોતા તેણે પત્નીની તપાસ હાથ ધરી હતી. તેનો ફોન પણ બંધ હતો. આ પછી યુવકને જાણ થઈ હતી કે, મમતાએ તેના પહેલા પતિ સાથે લગ્ન કર્યા બાદ માત્ર 15 દિવસમાં જ ડિવોર્સ લીધા હતા. ડિવોર્સ માટે મમતાએ પહેલા પતિ પાસેથી 3.50 લાખ રૂપિયા લીધા હતા.
આમ, યુવકને પોતે છેતરાયો હોવાનું જણાતા તાત્કાલિક સરથાણા પોલીસ મથકે આ લૂંટેરી દુલ્હન સામે ફરિયાદ આપતા સરથાણા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી હતી.