SURAT : સુરત જિલ્લામાં આજે 15 ઓગષ્ટે સવારથી વરસી રહેલા સતત વરસાદને કારણે માંડવી તાલુકાના મુઝલાવ ગામેથી પસાર થતી વાવ્યા ખાડી પરનો લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સુરત જિલ્લાના ચાર તાલુકાનાને જોડતો આ અતિ મહત્વનો માર્ગ છે. ખાડીની એક તરફ બારડોલી તાલુકો છે, જ્યારે બીજી તરફ માંગરોળ, માંડવી અને ઉમરપાડા તાલુકો આવેલો છે.
મુઝલાવ ગામેથી પસાર થતો આ માર્ગ અતિ ટૂંકો અને શોર્ટકટ છે. લો-લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા ત્રણ તાલુકાના લોકોને માંડવી થઈ બારડોલી જવું પડે છે અને લગભગ 30 કિલોમીટરનું વધારાનું અંતર કાપવું પડે છે. સ્થાનિકો દ્વારા વારંવાર આ લો-લેવલ બ્રિજને ઊંચો કરવા રજુઆત કરાઈ છે પરંતુ તંત્રના કાને વાત નથી પહોંચી રહી.
ગત વરસાદની સિઝન દરમિયાન માંડવી તાલુકાના સ્થાનિક અને આ વિસ્તારના સાંસદ પ્રભુ વસાવા દ્વારા આ વિસ્તારની મુલાકાત પણ કરવામાં આવી હતી અને સ્થાનિકોને જેમ બને એમ જલ્દી આ બ્રિજના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે હૈયાધારણા પણ આપી હતી. પરંતુ એક વર્ષ નો સમય વીતી જવા છતાં હજુ સુધી પ્રશ્નનું નિરાકરણ થયું નથી.
સુરતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ
સુરત જિલ્લાના વાલિયા ,માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. કીમ નદીમાં ભરપૂર પાણીની આવક થતા માંગરોળના મોટા બોરસરા ગામે કીમ નદી પર આવેલો હાઇ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. સુરત જિલ્લાના વાલિયા, માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદને લઈ નદીમાં પાણીની આવક થઇ છે.
ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા
તાપી જિલ્લામાં અને ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમના 22 માંથી 15 દરવાજા 6 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 1 લાખ 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.ઉકાઈ ડેમની સપાટી 335.54 ફૂટ પર પોહચી છે. હાલ ડેમના ઉપરવાસ માંથી 1 લાખ 75 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. સાવચેતીના ભાગરૂપેનીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો :
SURAT : રાજસ્થાનના CM અશોક ગેહલોત આવતીકાલે સુરતમાં, કોંગ્રેસ આગેવાનો સાથે કરશે મહત્વની બેઠક
Gujarat Rains : તાપી જિલ્લામાં ભારે વરસાદ, ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલાયા