સુરત : ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી વચ્ચે રાજ્યમાં વધી રહેલા કેસોને પગલે ગુજરાત સરકાર હરકતમાં આવી ગઈ છે. બીજી તરફ સુરતમાં આખે આખો પરિવાર કોરોનાસંક્રમિત થતાં તંત્ર દોડતું થઈ ગયું હતું અને આખી સોસાયટી જ ક્લસ્ટર ઝોન જાહેર કરવી દેવામાં આવી હતી.
ઓમિક્રોનને લઈ સુરત મનપા એલર્ટ થયું છે. માસ્કની કડક અમલવારી કરવામાં આવશે. સ્મીમેર હોસ્પિટલમાં અલાયદી વ્યવસ્થા કરાઈ. આખેઆખા પરિવાર કોરોના પોઝિટિવ આવવું ચિંતાનો વિષય છે. લોકો સોશિયલ ડિસ્ટન્ટ જાળવે તેવી અપીલ કરવામાં આવી છે. નાકની ઉપર માસ્ક ફરજીયાત પહેરે તેવી અપીલ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા કરવામાં આવી છે.
અડાજણ વિસ્તારમાં એક જ પરિવારમાં પાંચ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. સાઈલીલા સોસાયટીમાં એક જ પરિવારમાં પાંચ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું થયું છે. પાલિકા દ્વારા આખી સોસાયટીની ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવી છે. સુરતમાં એક દિવસમાં કુલ 9 કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 87 મુસાફરો વિદેશથી આવ્યા છે. એરપોર્ટ પર ટેસ્ટિંગ પ્રક્રિયા વધુ વેગીલી બનાવાઇ છે.
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલની 1200 બેડમાં ઓમીક્રોન વોર્ડ તૈયાર કરાયો છે. 25 પથારીઓ પ્રાથમિક તબક્કામાં તૈયાર કરવામાં આવી. વેન્ટિલેટર ઓક્સિજન સહિતની તૈયારીઓ કરવામાં આવી છે.
જામનગરમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. રાજય સરકારના આદેશ બાદ સિવિલ હોસ્પિટલમાં ઓમીક્રોન વાયરસ સંક્રમિત દર્દીઓ માટે અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. PM કેયર ફંડમાંથી આવેલા વેન્ટિલેટર, ઓક્સિજન સહિતના ઉપકરણ પણ ઇન્સ્ટોલ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સમયાંતરે કોવિડ માટેની તાલીમના પગલે સિનિયર તબીબોને ઓમિક્રોન ના લક્ષણ અંગે આગામી સમયમાં પણ તાલીમ આપવામાં આવશે.
ઓમીક્રોનના કારણે સિવિલ હોસ્પિટલમાં હાલ પૂરતી 25 પથારીઓ તૈયાર કરવામાં આવી છે. તો અન્ય 100 વેન્ટિલેટર સ્ટેન્ડ બાય રાખવાના આદેશ પ્રશાસનને આપવામાં આવ્યા છે. ગુજરાતમાં એકસાથે ઓમીક્રોનનો કહેર ઉભો થાય તો સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા સુધીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.