સાયબર ક્રાઇમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને સુરત ખાતે ફરજ બજાવતા 58 વર્ષીય મહિલા નાયબ મામલતદાર ગત જાન્યુઆરીમાં પોતાનો મોબાઈલ ફોન રીક્ષામાં ભૂલી ગયાં હતાં. આ ફોનમાં તેમના કેટલાક અંગત ફોટા હતા. આ ફોન સુરતના નાજીમ પટેલ નામના યુવકના હાથમાં આવી જતાં તેણે મહિલા ઓફિસરને તેમના અંગત ફોટો મોકલી વાયરલ કરવાની ધમકી આપી હતી. ફોટા વાયરલ નહી કરવાની ધમકી આપી તેણે રૂપિયા 60 હજારની માંગણી કરી હતી. આ અંગે શનિવારે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ટેક્નિકલ સર્વેલન્સના આધારે આ ગુનામાં સામેલ નાજીમ નઇમ પટેલ ( ઉ.વ.24, હાલ રહે.ઘર નં.99, જોનાપુર મેઈન રોડ, સાઉથ દિલ્હી. મૂળ રહે. ડી/2/59, ડુંભાલ ટેનામેન્ટ, ઓમનગર સોસાયટીની બાજુમાં, આંજણા રોડ, લીંબાયત, સુરત )ની દિલ્હીથી ધરપકડ કરી હતી.
દિલ્હીમાં છૂટક નોકરી કરતા નાજીમે પોલીસને જણાવ્યું હતું કે, સુરતમાં અગાઉ ભાડેથી ઓટો રીક્ષા ફેરવતો હતો ત્યારે જાન્યુઆરી માસમાં રીક્ષામાંથી નાયબ મામલતદાર મહિલાનો મોબાઈલ મળ્યો હતો. ફોન જૂનો હોવાથી વારંવાર હેંગ થતો હોવાથી મહિલા નાયબ મામલતદારે વધુ ધ્યાન આપ્યું ન હતું. નાજીમે પણ મોબાઈલ ફોન મળ્યા બાદ મેમરી કાર્ડ કાઢી ફોન ફેંકી દીધો હતો. દોઢ બે માસ અગાઉ નાજીમ નોકરી કરવા દિલ્હી ગયો હતો. એ વખતે તેણે રાખી મુકેલા મેમરી કાર્ડને જોતા તેમાં અંગત ફોટા અને મહિલા નાયબ મામલતદારનો નંબર મળતાં તેમને અશ્લીલ ફોટા મોકલી ફોટા વાયરલ ન કરવા રૂપિયા 60 હજારની માંગણી કરી હતી. સાયબર ક્રાઇમ પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. વધુ તપાસ પીઆઈ આર.એમ.વસૈયા કરી રહ્યા છે.