સુરત: શહેરના વરાછામાં કરિયાણાના વેપારી સાથે લગ્નનું નાટક કરી રૂપિયા ૨.૫૪ લાખની છેતરપિંડી કરવાના ચકચારી બનાવમાં વરાછા પોલીસે લૂંટેરી દુલ્હન, તેની નાની બહેન અને માતા-પિતાની ભીવંડીથી ધરપકડ કરી છે. વરાછા-ત્રિકમનગર ખાતે પરમહંસ સોસાયટીમાં રહેતા ગૌતમ કિશોરભાઇ ધનેશા કરિયાણાના વેપારી છે. તેમની દુકાને નિયમિત આવતા ગ્રાહક દિનેશ આહીરે ગૌતમને એક મિત્ર લગ્ન કરાવવાનું કામ કરે છે એમ જણાવી વલસાડના રસિકભાઇનો સંપર્ક કરાવ્યો હતો.
રસિકભાઇએ સોની ઉર્ફે રોહિણી ગુરુરાજ શિંદેનો ફોટો ગૌતમને બતાવ્યો હતો. દિનેશ અને રસિકે લગ્નની તમામ જવાબદારી ઉપાડવાની ખાત્રી પણ આપી હતી. મહારાષ્ટ્રના ભીવંડી ખાતે જઇ લગ્નની વાતચીત થયા બાદ સોનીની માતા સંગીતાબેને લગ્ન માટે ૨.૧૧ લાખ માંગ્યા હતા. દિનેશ અને હિંસકે દલાલી પેટે ૮ હજાર ગૌરવ પાસે માંગ્યા હતા. લગ્ન પહેલાં સોનીની માતા સંગીતાબેનને ૨.૧૧ લાખમાંથી ૧.૫૦ લાખ પહેલા અને લગ્ન બાદ ૬૧ હજાર ચૂકવાયા હતા. સોનીની માતા અને તેની બહેન પગફેરાની રસમ માટે સોનીને લઇ ગયા હતા. ગૌરવ તેનાં માતા-પિતા સાથે પત્ની સોનીને તેડવા ભીવંડી ગયો તો ઘરને તાળાં લાગેલા જોવા મળ્યા હતા.
લૂંટેરી દુલ્હન અને તેના સાથીઓ રોકડા રૂ. ૨.૩૪ લાખ તથા જ્વેલરી મળી ૨,૫૪,૨૦૦ની મતા લઇ નાસી ગયા હતા. વરાછા પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો. ચાર દિવસ પહેલાં પોલીસે બે દલાલ હિતેષ ઉર્ફે રસિક રતિભાઇ કાપડિયા અને ઘુઘા ઉર્ફે દિનેશ કંથડભાઇ કાછડની ધરપકડ કરી હતી. આ દરમિયાન વરાછા પોલીસે લૂંટેરી દુલ્હન રોહિણી ઉર્ફે સોની ગુરુરાજ શિંદે (ઉ.વ. ૨૨), તેની નાની બહેન નયના (૨૦), પિતા ગુરુરાજ (૪૮) અને માતા સંગીતા (૪૫)ની ધરપકડ કરી હતી. મહારાષ્ટ્રના ભીવંડી ખાતે આનંદી પાર્ક સોસાયટીમાં રહેતા આ શિંદે પરિવારને કોર્ટમાં રજૂ કરી પોલીસે ૩ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. મૂળ નાગપુરનો વતની શિંદે પરિવાર ભીવંડીમાં અલગ-અલગ જગ્યાએ રહેતો હતો.
યુવતીએ ૫ યુવકોને ભોગ બનાવ્યા
પોલીસ તપાસમાં રોહિણી પરિણીત હોવાનું બહાર આવ્યું. છે. તેને બે સંતાનો છે. પતિ તેણીને છોડીને ચાલ્યો ગયો હતો. રોહિણીએ ત્રણેક યુવકને લગ્નના નામે છેતર્યા છે. જ્યારે રોહિણીની નાની બહેન નયના પણ મોટી કલાકાર છે. નયનાએ યોગીચોક, સૌરાષ્ટ્રના સહિત પાંચેક યુવકોને લગ્નના નામે ઠગ્યા છે. માતા-પિતા પણ બંને દીકરીની આ કરતૂતોમાં સામેલ છે. કતારગામતો યુવક પણ ઠગ ટોળકીનો શિકાર બન્યો
કતારગામના પદ્માવતી પાર્કમાં રહેતો જિગ્નેશ પટેલ પણ લગ્નના નામે ઠગ ટોળકીનો શિકાર બન્યો છે. વરાછા પોલીસે પકડેલા દલાલ હિતેશ ઉર્ફે રસિક કાપડિયાએ મળતિયા ભરત દરબાર સાથે મળી રૂબી નામની યુવતી સાથે જિગ્નેશના લગ્નનું નાટક કરાવી ૨.૭૦ લાખ પડાવી લીધા હતા. કતારગામ પોલીસમાં રસિક, ભરત અને રૂબી સામે ગુનો દાખલ થયો છે.