સુરત: બાઈક ઉપર જોખમી સ્ટંટ કરી રીલ્સ માટેના વીડિયો બનાવાનું બે યુવકોને ભારે પડ્યું છે. થોડા દિવસ પહેલા અઠવાલાઇન્સ વિસ્તારનો બાઈક પર જોખમી સ્ટંટ કરતો રીલ્સનો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં ઉમરા પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે સ્ટંટ કરનાર બે યુવકોની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. બંને મિત્રએ એક જ બાઈક પર વારાફરતી જોખમી સ્ટંટ કરી વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતા.


સુરતમાં વધુ બે યુવકની પોલીસે ધરપકડ કરી


આજના સમયમાં યુવાનોને સોશિયલ મીડિયામાં છવાઈ જવાનું ઘેલું લાગ્યું છે. આ માટે યુવાનો જીવનું જોખમ લઈને સોશિયલ મીડિયા માટે શોર્ટ વિડિયો કે રીલ્સ બનાવી રહ્યા છે. પરંતુ આ પ્રકારે જીવનું જોખમ લઈને રીલ્સ બનાવવું યુવાનોને ભારે પણ પડી શકે છે. આ પ્રકારના વીડિયો બનાવી યુવકો કાયદાને પોતાના હાથમાં લેતા હોય છે. ત્યારે પોલીસ પણ આવા યુવકોના સામે કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે જીવના જોખમે બાઈક ઉપર સ્ટંટ કરી વીડિયો બનાવનાર સુરતમાં વધુ બે યુવકની પોલીસે ધરપકડ કરી છે. સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં બાઈક ઉપર બે યુવકો ઉભા રહીને જીવના જોખમે સ્ટંટ કર્યો હતો. તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો.


અઠવાલાઇન્સના બ્રિજ પર બાઈક પર સ્ટંટ કરતો એક વીડિયો વાઈરલ થયો હતો


જે બાદ ઉમરા પોલીસે બંને યુવકોને કાયદાનું ભાન કરાવવા કાર્યવાહી શરૂ કરી હતી અને બંને યુવકોની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે બનાવમાં પોલીસે બાઈક પર સ્ટંટ કરનાર યુવાનોને ઝડપી પાડ્યા છે. ઉમરા પોલીસે ધીરજ વિક્રમસિંહ ચૌહાણ અને કિશોર ધાનકા નામના બે યુવાનોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકારના જોખમી સ્ટંટ ન કરવા ટકોર કરી હતી. સુરતમાં અઠવાલાઇન્સના બ્રિજ પર બાઈક પર સ્ટંટ કરતો એક વીડિયો વાઈરલ થયો હતો. ત્યારબાદ તે જ બાઈક પર અન્ય એક યુવક કેબલ બ્રિજ પર સ્ટંટ કરતો વીડિયો વાઈરલ થયો હતો. ત્યારે પોલીસે તપાસ કરીને સ્ટંટ કરનાર ધીરજ ચૌહાણ અને કિશોર ધાનકાની ધરપકડ કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બંને યુવકો મિત્ર હતા. 


બે જ દિવસમાં સ્ટંટ કરનાર બંને યુવકોને ધરપકડ કરી લીધી


પહેલા એક યુવકે બાઈક પર સ્ટંટ કરી તેનો વીડિયો બનાવી આપ્યો, ત્યાર બાદ તેના અન્ય મિત્રોએ બીજા વિસ્તારમાં જઈ એ જ બાઈક પર જોખમી સ્ટંટનો વીડિયો બનાવી બંને યુવકોએ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અપલોડ કર્યો હતો. જાહેર રોડ પરથી ઓવર સ્પીડમાં મોટરસાયકલ ચલાવી કે બાઈક પર સ્ટંટ બાજી કરવી એ કાયદાકીય રીતે ગુનો છે. જાહેર રસ્તાઓ પરથી અનેક રાહદારીઓ પસાર થતા હોય છે, ત્યારે પોતાના મોજશોખ ખાતર અન્યના જીવ જોખમમાં મૂકાય તેવી કામગીરી કે સ્ટંટ કરી ન શકાય. તેમાં છતાં બંને યુવકો દ્વારા ટ્રાફિકથી ભરચક એવા પાર્લે પોઇન્ટના બ્રિજ પર અને કેબલ બ્રિજ પર સ્ટંટ કરી પોતાની સાથે અન્યનો જીવ પણ જોખમમાં મુકવાનું કાર્ય કર્યું હતું.ઉમરા પોલીસ દ્વારા વીડિયો વાઈરલ થયા બાદ બે જ દિવસમાં સ્ટંટ કરનાર બંને યુવકોને ધરપકડ કરી લીધી હતી. પોલીસે બંને યુવકોને સાથે રાખી જે જગ્યાએ જાહેરમાં સ્ટંટ કર્યા હતા ત્યાં લઈ જઈને સ્થળ તપાસ કરી હતી. બંને સામે કડક કાર્યવાહી કરી કાયદાના ઉલ્લંઘનનું ભાન કરાવ્યું હતું.