Surat: ગુજરાતમાં ચોમાસાની સિઝન જામી ગઇ છે, સતત વરસી રહેલા વરસાદની વચ્ચે હવે રોગચાળાએ માથું ઉંચક્યુ છે, સુરતમાં અચાનક રોગાચાળામાં વધારો થવાની બૂમ ઉઠી છે, શહેરમાં બિમારીના કારણે ત્રણ ચાર દિવસમાં છ બાળકોના મોત થયાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. મળતી માહિતી પ્રમાણે, વરસાદી માહોલ વચ્ચે સુરતમાં રોગચાળો વકર્યો છે. સુરત શહેરમાં રોગચાળાથી ત્રણ દિવસમાં 6 બાળકોના મોત થયા છે. શહેરમાં બિમારથી સૌથી વધુ પાંડેસરામાં 4 લોકોના મોત થયા છે, આ ઉપરાંત ડિંડોલીમાં 1 અને વેસુમાં 1 લોકોના મોત થતાં સ્થિતિ ચિંતાજનક બની ગઇ છે. અચાનક મોતનો આંકડો વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. રોગચાળાને પગલે હવે શહેરના પાંડેસરાના વડોદ વિસ્તારમાં આરોગ્ય વિભાગ તપાસ પણ શરૂ કરી દીધી છે.


સુરતમાં અનરાધાર વરસાદથી જળબંબાકાર


સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે સુરત શહેરમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.  4 ઈંચ વરસાદના કારણે સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ છે.  સુરત શહેરના રસ્તાઓ નદીઓમાં ફેરવાયા હતા. સુરતમાં મહાનગરપાલિકાના પાપે જનતા પરેશાન છે. સુરતના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.  સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળે છે. ઉધના દરવાજા, લિંબાયત, અડાજણમાં જળબંબાકાર છે. લિંબાયત વિસ્તારમાં પાણી ભરાયા છે.  ડુંભાલ, ઓમ નગર અને એસ.કે. નગર પાસે,મીઠીખાડી - બેઠી કોલોની,ક્રાંતિ નગર,ઈન્દિરા વસાહત વિસ્તારોમાં પાણી ભરાયા છે.  માન દરવાજા,ખ્વાજા નગર,પંચશીલ નગર,રઝા નગર,ઉમરવાડા જવાહર નગર,નહેરુ નગર,સલીમ નગર વગેરે વિસ્તારમાં પાણી ભરાયા છે. 


સહારા દરવાજા પાસે બસ પાણીમાં ફસાઈ


વરસાદને લઈ સહારા દરવાજા પાસે બસ પાણીમાં ફસાઈ હતી.  બસ ફસાતા મુસાફરોને બારી વડે બહાર કાઢવામાં આવ્યા હતા. સરકારી એસટી બસ પાણીમાં ફસાઈ જતા ઇમરજન્સી દરવાજા વડે મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. સુરતમાં ધોધમાર વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે. પુણાગામ તળાવની બાજુ અક્ષરધામ સોસાયટીના મકાનોમાં પાણી ફરી વળ્યા છે. સુરત શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગોવિંદ નગર ઈન્ડસ્ટ્રીઝમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. લીબાયત મીઠી ખાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. અઠવા, મજુરા, રિંગરોડ, પાલ, અડાજણ, વેસુ, મગદલ્લા વિસ્તારમાં વરસાદ છે. સુરતમાં વરસાદનું જોર વધતા વિઝિબિલિટી ઘટી હતી, જેના કારણે વાહન ચાલકો હેડલાઈટ ચાલુ કરવા મજબુર બન્યા હતા.   


રાજયમાં વરસાદની ઝોન વાઈઝ સ્થિતિ જોઇએ તો, કચ્છમાં 112.24 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.04 ટકા, મધ્ય ગુજરાતમાં 41.72 ટકા, સૌરાષ્ટ્રમાં 70.01 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 43.51 ટકા વરસાદ થયો છે.રાજ્યમાં વરસાદના બે રાઉન્ડમાં સૌથી ઓછો વરસાદ દાહોદ,વડોદરા, નર્મદા અને ડાંગ જિલ્લામાં નોંધાયો છે. જેમાં દાહોદમાં 32.33 ટકા,વડોદરામાં 35.12 ટકા, ડાંગમાં 30.70 અને નર્મદા જિલ્લામાં 33.21 ટકા વરસાદ નોંધાયો છે.જ્યારે સૌથી વધુ વરસાદની વાત કરીએ તો કચ્છમાં 112.24, અમરેલીમાં 63.73, બોટાદમાં 68.96, ગીર સોમનાથમાં 73.96, જામનગરમાં 71.06, જૂનાગઢમાં 95.27 અને રાજકોટ જિલ્લામાં 73.43 ટકા વરસાદ નોંધાયો છે.



રાજ્યના 207 જળાશયોમાં 52.96 ટકા પાણીનો જથ્થો છે. ઝોન વાઈઝ સ્થિતિ જોઈએ તો, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 60.41, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 34.47 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 41.56 ટકા, કચ્છના 20 જળાશયોમાં 63.77 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 62.49 ટકા જ્યારે સરદાર સરોવરમાં 63.38 ટકા પાણીના જથ્થા સાથે રાજ્યમાં કુલ 52.96 ટકા પાણીનો જથ્થો છે.   


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial