Surat: ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, 43 વર્ષે ગુજરાતના ખેડૂતોના પક્ષમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ફેંસલો સંભળાવ્યો છે. ખરેખરમાં, સુરત કવાસ અને ભાટપોરના ખેડૂતોને 43 વર્ષે ન્યાય મળ્યો છે.
માહિતી એવી છે કે, ONGCની જમીન માટે ચો.મી. દીઠ રૂ.10 ચૂકવવા સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચૂકાદો આપ્યો છે. કવાસમાં જમીન મુદ્દે કાનૂની જંગ છેડાયો હતો, જેમાં હવે 43 વર્ષે ખેડૂતોના પક્ષમાં વળતર ચૂકવવામાં આવશે. ઓએનજીસીના પ્રૉજેક્ટ માટે કવાસ અને ભાટપોરની અંદાજે 400થી 500 એકર જમીન સંપાદિત કરાઈ હતી. આ જમીનના વળતર અંગે ખેડૂતોએ કોર્ટ કેસ કરતા તેનો 43 વર્ષે ચૂકાદો આવ્યો છે. લૉકલ કોર્ટથી સુપ્રીમ સુધી ચાલેલી આ કાનૂની લડાઈનો ખેડૂતોના પક્ષમાં ચૂકાદો આવતા ખેડૂતો ખુશ થઇ ગયા છે. ખેડૂતોને ચો.મી. દીઠ રૂ. 10 ચૂકવવાનો આદેશ કરાયો હતો. આ કેસમાં લૉકલ કોર્ટમાં 23 વર્ષ સુધી એડવૉકેટ નસીમ કાદરીએ દલીલો કરી હતી. સુપ્રીમની રાઘવેન્દ્ર અને જસ્ટીસ જે.કે. મહેશ્વરીની કોર્ટે જમીન સંપાદનની કલમ 23 અને 23-એ મુજબ 30 ટકા સાલેશ્યમ અને 12 ટકા વધારાના વળતર પર વ્યાજ ચૂકવવા આદેશ કર્યો હતો. આ રીતે હવે ખેડૂતોની હકની લડાઇમાં તેમને વળતર મળશે.
સુરતના કામરેજના વેલંજા ગામના તળાવમાંથી યુવતી મળ્યો મૃતદેહ, ત્રણ દિવસથી હતી ગુમ
સુરતના કામરેજના વેલંજા ગામમાં 3 દિવસથી લાપતા યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતના કામરેજના વેલંજા ગામમાં સરદાર વીલા સોસાયટીમાં રહેતી 22 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતી 31 મેની સાંજે ઘરેથી વોક કરવા નીકળી હતી ત્યારથી ગુમ થઇ હતી. પરંતુ પરત ના ફરતા પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસ અને પરિવાર બંને યુવતીની શોધખોળ કરી રહ્યા હતા દરમિયાન ગામમાં જ મંદિર પાસે આવેલા તળાવના કિનારે પાળા પાસે યુવતીના ચપ્પલ મળી આવ્યા હતા. જેને લઈને પરિવારજનો અને પોલીસને યુવતી તળાવમાં પડી ગઈ હોવાની શંકા ગઈ હતી, જેને લઈને ફાયર વિભાગને જાણ કરતા ગઈ કાલે લગભગ છ કલાક સુધી 50 ફૂટ ઊંડા તળાવમાં ફાયરના જવાનો દ્વારા યુવતીની શોધખોળ કરવામાં આવી હતી. તેમ છતાં યુવતીનો કોઈ પતો લાગ્યો ન હતો. આજે વહેલી સવારે તળાવમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, યુવતીએ આત્મહત્યા કરી કે અન્ય કારણસર તેનું મોત થયું છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે યુવતીના મોબાઈલ લોકેશન કોલ ડિટેલ્સના આધારે તપાસ શરૂ કરી હતી.