Surat: સુરત બેઠક પર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય થતા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ છે. કૉંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી વિરોધ નોધાવ્યો હતો. ‘જનતાનો ગદ્દાર’, ‘લોકશાહીનો હત્યારો’ જેવા લખાણો સાથેના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. જો કે નિલેશ કુંભાણીના ઘરે તાળું જોવા મળ્યું હતું. હાલમાં નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા હોવાની માહિતી મળી રહી છે.


નોંધનીય છે કે સુરતમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા નિલેશ કુંભાણી ભાજપમાં સામેલ થાય તેવી ચર્ચા છે. આ સપ્તાહના અંતમાં કે ત્યારબાદ નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે. કુંભાણીને આવકારવા ભાજપની તૈયારી પૂર્ણ થઈ છે. સુરત લોકસભા બેઠક પર બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું અને જે બાદ અપક્ષ સહિત 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યુ હતું. જેથી સુરત બેઠક પર ઈતિહાસ રચાયો હતો અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા હતા.


મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ મળ્યું


સુરત લોકસભાની ચૂંટણીને લઈને મહત્ત્વની માહિતી સામે આવી છે. મુકેશ દલાલને સાંસદ તરીકેનું સર્ટીફિકેટ આપવામાં આવ્યું છે. આ અંગેના એબીપી અસ્મિતા પાસે સુપર એક્સક્લૂઝીવ દ્રશ્યો આવ્યા છે. મુકેશ દલાલ મતદાન પહેલા સુરતના સાંસદ બન્યા છે.  ચૂંટણી અધિકારીએ મુકેશ દલાલને જીતનું સર્ટીફિકેટ આપ્યું છે.


મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે મુકેશ દલાલને પાઠવી શુભેચ્છા


મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે એક્સ (અગાઉ ટ્વિટર)પર લખ્યું, સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ. લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજયની આ શરૂઆત છે. ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપાના પ્રચંડ વિજય સાથે કમળ ખીલવાનો અને માનનીય મોદીજીના નેતૃત્વમાં #AbKiBaar400Paar નો સંકલ્પ સાકાર થવાનો આ સ્પષ્ટ સંકેત છે.


લોકસભા ચૂંટણીમાં સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જાહેર થયા હતા.સુરત બેઠક પરથી બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચ્યું હતું. આ સાથે ગુજરાતમાં ઇતિહાસ રચાયો હતો. ગુજરાતમાં પ્રથમ વખત લોકસભાના બિનહરીફ સાંસદ ચૂંટાયા હતા. પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચ્યાની કલેક્ટરે પુષ્ટી કરી હતી.