Surat VNSGU News: ભારત માટે 22મી જાન્યુઆરી, 2024 એ ઐતિહાસિક દિવસ રહ્યો, આ દિવસે અયોધ્યામાં ભગવાન શ્રી રામ 500 વર્ષ બાદ ફરી એકવાર પોતાના ભવ્ય મહેલ શ્રી રામ મંદિરમાં પરત ફર્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસે અયોધ્યામાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થયા અને આ દિવસથી ભક્તો માટે શ્રી રામના દર્શન ખુલ્લા મુકાયા હતા. હવે આ ઐતિહાસિક ઘટનાની સમગ્ર રૂપરેકાને લઇને દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યૂનિવર્સિટીએ મોટો નિર્ણય લીધો છે. આગામી સમયથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યૂનિવર્સિટીમાં શ્રી રામ જન્મભૂમિના સમગ્ર ઇતિહાસનો કોર્સ શરૂ કરવામાં આવશે. આ અંગે એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, આ કોર્સની ફી 1100 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
તાજા અપડેટ પ્રમાણે, અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું ભવ્ય રામ મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકી દેવામાં આવ્યુ છે, 22મીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમગ્ર દેશ અને વિદેશના ભક્તો શ્રી રામના દર્શને જઇ શકે છે, ત્યારે આ બધાની વચ્ચે દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યૂનિવર્સિટીએ મોટો નિર્ણય લેતા ભગવાન શ્રી રામના જીવન પરથી શ્રી રામ જન્મભૂમિનો ઇતિહાસનો કોર્સ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
VNSGUમાં હવેથી ભગવાન શ્રીરામ જન્મભુમિનો ઇતિહાસને લઈ કૉર્સ શરૂ કરવામાં આવશે. યૂનિવર્સિટીમાં ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ માટે સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે. એકેડેમિક કાઉન્સિલ બેઠકમાં આ અંગે કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે, જેમાં અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ ઇતિહાસનો સર્ટિફિકેટ કોર્સને શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. યૂનિમાં હિન્દુ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટમાં આ કોર્સ શરૂ કરાશે. 30 કલાકના આ સર્ટિફિકેટ કોર્સમાં ભગવાન શ્રી રામના જન્મનો 5 હજાર વર્ષનો ઇતિહાસ ભણાવવામાં આવશે. જેમાં શ્રી રામ જન્મભુમિ માટે થયેલો વિવાદ, મંદિર માટે સુપ્રિમ કોર્ટે આપેલા ચૂકાદાઓ, મંદિર નિર્માણ સહિતની બાબતને આ સમગ્ર કોર્સમાં આવરી લેવામાં આવશે. આ કોર્સમાં વધુ વિદ્યાર્થીઓ જોડાઇ શકે તે માટે 1100 રૂપિયાની જ ફી રાખવામાં આવી છે. વીર નર્મદ યૂનિવર્સિટીમાં આ ઉપરાંત એસીમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના કોર્સને પણ મંજૂરી અપાઈ છે. આની સાથે સાથે ફોરેન લેંગ્વેજમાં જર્મન, સ્પેનિસ, ફ્રેન્ચ તેમજ રશિયન ભાષાનાં સર્ટિફિકેટ કોર્સની 10,000 ફી રાખવામાં આવી છે.