સુરતઃ સુરતમાં કોન્સ્ટેબલે માસ્ક નહીં પહેરનારી યુવતીને આ ગુના બદલ પોલીસ સ્ટેશન લઈ જવું પડશે એમ કહીને કારમાં બેસાડી શરીર સુખ માણ્યું એ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. કોન્સ્ટેબલની પત્નીએ ફરિયાદ કરનારી યુવતી અને તેના પતિ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે.


કોન્સ્ટેબલની પત્નિએ આક્ષેપ કર્યો છે કે, યુવતી મારા પતિને પ્રેમસંબંધ રાખવા દબાણ કરતી હતી અને તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હતા. પત્નિનો આક્ષેપ છે કે, મારા પતિ આ સંબધ રાખવા તૈયાર નહોતા તેથી યુવતીએ અનેક વખત મારા પતિ સાથે ઝઘડો કર્યો હતો. હું અને મારા પતિ 7 મે, 2021ના રોજ બાઇક પર જતાં હતાં ત્યારે સોસાયટીની બહાર યુવતી તથા તેના પતિએ ગાળાગાળી કરી જ્ઞાતિને લગતી ગાળો આપીને અપમાન કર્યું હતું. આ ઉપરાંત યુવતીએ મારા પતિને નોકરીમાંથી કઢાવી મૂકવા તેમજ બળાત્કારની ફરિયાદ નોંધાવવાની ધમકી પણ આપી હતી.


કોન્સ્ટેબલની પત્નિએ એક વીડિયોનો પણ ઉલ્લેખ કર્યો છે. થોડા મહિના પહેલાં પલસાણા ચાર રસ્તા પરથી આરોપી કોન્સ્ટેબલ પત્ની સાથે કારમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે ભોગ બનનાર યુવતીએ ટ્રાફિકમાં કોન્સ્ટેબલની કારને રોકી ઝઘડો કર્યો હતો. એ વખતે આરોપી કોન્સ્ટેબલ, તેની પત્ની અને યુવતી વચ્ચે જાહેરમાં છૂટા હાથની મારામારી થઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.


યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે, બારડોલીમાં રહેતા અને ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા યુવકે 2020માં પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન માસ્ક નહીં પહેરવા બાબતે 33 વર્ષની યુવતીને પકડી હતી. તેનો નંબર નોંધી લઈ તેને તેની સોસાયટી બહાર બોલાવી હતી અને પોલીસ સ્ટેશન ચાલવું પડશે એવું કહી પોતાની કારમાં બેસાડી હતી. કોન્સ્ટેબલે યુવતીને કારમાં  બેભાન કરી બળાત્કાર ગુજાર્યો હતો. કોન્સ્ટેબલે નગ્નાવસ્થામાં અને પોતાની સાથે આપત્તિજનક અવસ્થામાં ફોટા પાડીને મોબાઇલમાં સેવ કર્યા હતા. એ પછી અવારનવાર ફોટો બતાવી ભૂતપોરના ફાર્મ હાઉસ અને પલસાણાની કાઠિયાવાડી હોટલમાં લઈ જઈ પરાણે શરીર સંબંધ બાંધ્યા હતા.


આ સંબંધના કારણે યુવતી ગર્ભવતી બની જતાં આરોપીએ યુવતીનો ગર્ભપાત પણ કરાવ્યો હતો. આરોપી કોન્સ્ટેબલે યુવતીને આ વાત કોઈને કહે તો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાની અને તેના પતિને ખોટા આરોપમાં ફસાવી દેવાની કે મારી નાંખવાની ધમકી આપી હતી. આ રીતે તેણે વારંવાર યુવતી સાથે તેણે વારંવાર શરીર સંબંધ બાંધીને તેનું શોષણ કર્યું હતું. આ અત્યાચાર વધી જતાં યુવતીએ કોન્સ્ટેબલ વિરૂધ્ધ પલસાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાએ ચકચાર જગાવી છે અને પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે.