સુરતઃ હાથરસની ઘટનાના પડઘા ગુજરાત સહિત સમગ્ર દેશમાં પડ્યા છે, જેને પગલે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરતમાં પણ આજે આ ઘટનાના પ્રત્યાઘાત પડ્યા હતા અને સુરત મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

આ સમયે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મમતા સવાણીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મમતા સવાણીએ પોલીસ પર આક્ષેપ લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે, પોલીસવાળાએ કહ્યું, ફાંસી ખાઈ લો, એટલે ફાંસો ખાવા આવી. મમતા સવાણીએ ઝાડ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા. તેમજ તેમની અટકાયત કરીને ત્યાંથી લઈ જવામાં આવ્યા હતા.



તેમણે પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેમને આવું ન બોલાય. હું ફાંસો ખાઈ લઉં, તો મારા બાળકોને શું પોલીસ સંભાળશે? અમે એક કલાક વિરોધ પ્રદર્શન કરવા દેવા માટે જણાવ્યું હતું. નોંધનીય છે કે, હાથરસ દુષ્કર્મના વિરોધમાં રાજ્યભરમાં કૉંગ્રેસનું મૌન આંદોલન ચાલી રહ્યું છે. અમદાવાદ, રાજકોટ, સુરતમાં ધરણા પર બેઠેલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.