સુરતઃ નવજાતની હત્યાના ગુનામાં નિષ્ઠુર જનેતાની વરાછા પોલીસે ધરપકડ કરી છે. પર પુરુષ સાથે અનૈતિક સંબંધોથી ગર્ભ રહી જતા યુવતીએ પાપ છૂપાવવા માટે નવજાતને કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી જ્યાં તેનું મોત થયું હતું.


મળતી માહિતી મુજબ, સુરતના કામરેજ-ખોલવડ ગામે ગાયત્રી સોસાટટીમાં રહેતા ભગીરથસિંહ જગુવીરસિંહ જાડેજાને 14મી માર્ચે તેમના કારખાનાની બહાર પ્લાસ્ટિકના કોથળામાં ફેંકી દેવાયેલી નવજાત બાળકીની લાશ મળી હતી. જેની જાણ તેમણે પોલીસને કરી હતી. વરાછા પોલીસે તાજી જન્મેલી બાળકીની કબજો મેળવી સ્મીમેરમાં પીએમ માટે મોકલી આપી હતી.



આ ઘટનાના બે મહિના બાદ વરાચા પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસ તપાસમાં પટેલનગરમાં રહેતી અને મૂળ બારડોલીની વતની 40 વર્ષીય મહિલા બાળકીને તરછોડીને ભાગી ગઈ હોવાનું ખૂલતા વરાછા પોલીસે તેની ધરપકડ કરી હતી.

પૂછપરછમાં ચોંકાવનારી હકીકતોનો ખુલાસો થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાને 2 પુત્ર અને 2 પુત્રી છે. મહિલા છેલ્લા અઢી વર્ષતી પતીથી અલગ રહે છે. તે મજૂરી કામ કરી ચારેય સંતાનોનું ભરણપોષણ કરે છે. બીજી બાજુ મહિલાના 3-4 પુરુષો સાથે અનૈતિક સંબંધો હતા અને આ સંબંધોને કારણે તેને ગર્ભ રહી ગયો હતો.

આડા સંબંધથી ગર્ભ રહ્યો હોય સમાજમાં બદનામી થવાના ડરે મહિલાએ આ પાપ છુપાવવા મિસકેરેજની દવા લઈ લીધી હતી. દવા લેતા આઠમાં મહિને ઘરમાં જ પ્રસૂતિ થઈ ગઈ હતી. પ્રસૂતિ બાદ તેણે નવજાત બાળાને કચરાના ઢગ પાસે તરછોડી ગઈ હતી અને બાદમાં બાળાનું મોત થયું હતું. આ મામલે વરાછા પોલીસે નવજાતની હત્યાના ગુનામાં મહિલાની ધરપકડ કરી.