સુરતઃ અમદાવાદમાં દૂધ-દવા સિવાયની દુકાનો બંધ કરવાના આદેશ બાદ સુરતમાં પણ તે દિશામાં કાર્યવાહી શરૂ થઇ છે. હાલમાં સુરતમાં સૌથી વધુ કેસ છે તે લિંબાયત અને વરાછા-એ ઝોનમાં લોકોને બે  દિવસમાં શાકભાજી અને કરીયાણાની ખરીદી કરી લેવા જણાવાયું છે. ત્યારબાદ 10થી વધુ પોઝિટિવ કેસ આવશે તે વિસ્તારોમાં શાકભાજી અને કરિયાણાની દુકાનો બંધ કરાવી દેવાશે. માત્ર આ બે ઝોન જ નહી શહેરના દરેક મ્યુનિ. ઝોન માટે આ નિર્ણય લાગુ પડશે.


મ્યુનિ. કમિશ્નર બન્છાનિધિ પાનીએ જણાવ્યું કે, જે વિસ્તારમાં પોઝીટીવ કેસ આવે છે ત્યાં  શાકભાજીવાળા, ડેરી પાર્લર, કરિયાણા સ્ટાર્સ  અને દવાની દુકાન ધારકોનું પણ ટેસ્ટીંગ શરૂ કરાયું છે. તેમાં આવા ૧૬ વિક્રેતા પોઝિટિવ મળ્યા છે. તેમાં ડેરી ચલાવનારામાં ૪ કેસ, કરિયાણા સ્ટોર્સમાં પાંચ કેસ અને શાકભાજી, દૂધ વિક્રેતાઓમાં કેસ મળ્યા છે.

જે વિસ્તારમાંથી શાકભાજી, કરિયાણા અને દુધના ધંધાર્થીઓના કેસ આવ્યા છે તે વિસ્તારમાં તમામ લોકોના સેમ્પલ લેવાશે. હાલમાં લિંબાયત અને વરાછા-એ ઝોનમાં સૌથી વધુ કેસો આવી રહ્યા છે. તેથી લોકોને એક-બે દિવસમાં શાકભાજી અને કરીયાણું ખરીદી  લેવા જણાવાયું છે. કારણ કે, આગામી એક-બે દિવસમાં જે વિસ્તારમાં ૧૦થી વધુ કેસ આવશે તે વિસ્તારમાં શાકભાજી અને કરિયાણાની દુકાનોને બંધ કરાવાશે. સૂચના બાદ પણ આવી દુકાનો ચાલુ રખાશે તો દુકાનોનું ગુમાસ્તાધારાનું લાયસન્સ જપ્ત કરાશે.

આ નિર્ણય આ બે ઝોન પુરતો જ નહી સમગ્ર સુરતમાં લાગુ પડશે. એટલે કે મ્યુનિ.ના જે ઝોન વિસ્તારમાં ૧૦થી વધુ કોરોનાના કેસો આવશે તે વિસ્તારની શાકભાજી અને કરિયાણાની દુકાનો બંધ કરાવાશે.