સુરતઃ રાજ્યમાં લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવાનું બંધ કરતા હવે ફરીથી કોરોનાના કેસ ધીરે-ધીરે વધી રહ્યા છે. સુરતનાં પનાસ જોગર્સ પાર્ક સામે આવેલા સુર્યા એપાર્ટમેન્ટમાં આખો પરિવાર કોરોના સંક્રમિત થયો છે. એક જ પરિવારના 2 વર્ષના બાળક સહિચ 6 લોકો પોઝિટિવ આવતા તેમના સેમ્પલોનું જીનોમ સિક્વન્સિગ કરવામાં આવશે. હાલ તમામ સભ્યોને હોમ કોરંટાઈન કરાયા છે.. અને એપાર્ટમેન્ટને પણ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો છે. આ પરિવારનો એક સભ્ય દિલ્લીથી ફર્યા બાદ આખો પરિવાર સંક્રમિત થયો હોવાનું બહાર આવ્યું છે.
કોરોનાની ત્રીજી લહેર આવે અને પાલિકા ક્વોટામાં હોસ્પિટલમાં સારવારની જાહેરાત થાય તો જે લોકોએ બીજો ડોઝ લીધો ન હોય તેવા લોકોને સુરતના પાલિકા ક્વોટામાં સારવાર આપવામાં આવશે નહીં. પાલિકા પ્રશાસને સુરતીઓને બન્ને ડોઝ માટે અનેક પ્રયાસ કર્યા. પરંતુ હજુ પણ કેટલાક લોકો વેક્સિન નથી લઈ રહ્યા. જેથી હવે આવા લોકોને પાલિકાના ક્વોટામાં વિનામુલ્યે સારવાર નહીં આપવાની પાલિકાએ તૈયારી કરી છે.
સુરત શહેર અને જિલ્લામાં ફરી એકવાર કોરોના સંક્રમણ વકરતા આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે. સુરત શહેરમાં 150 દિવસ બાદ કોરોનાના ડબલ ડિજિટમાં એટલે કે 11 કેસ નોંધાતા હવે મહાપાલિકાએ ટેસ્ટિંગ ફરી એકવાર વધારવાનો નિર્ણય લીધો છે. સુરત મનપાના ડેપ્યુટી કમિશનર ડૉ. આશિષ નાયકે નાગરિકોને પણ કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે.