વાપીઃ તાલુકાના રાતા ગામે 6 ફેબ્રુઆરીએ યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવતીની હત્યા તેના જ પ્રેમીએ કરી હોવાનો ધડાકો થયો છે. પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. યુવકે પ્રેમિકાની ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, મૂળ બિહારની વતની અને છીરી ગામે વડીયાવાડની ચાલમાં રહેતી નીતુદેવી જીવન રાયની લાશ 6 ફેબ્રુઆરીએ વાપીના રાતા ગામે ભારત નગરની સીમમાં ઝાડીમાંથી મળી આવી હી. પોલીસ તપાસમાં તેનો પતિ અને ત્રણ સંતાનો લોકડાઉન પહેલા વતન બિહાર ચાલ્યા ગયા હોવાનું બહાર આવ્યું હતું. તેમજ તે વાપીમાં એકલી રહેતી હોવાનું તેમજ તેને વિનોદ મંડલ સાથે લફરું હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે વિનોદ મંડલની ધરપકડ કરી પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, નીતુદેવી સાથે તેને પ્રેમસંબંધ હતા. જોકે, નીતુદેવી અન્ય વ્યક્તિ સાથે પણ મોબાઇલ પર વાત કરતી હોવાથી બંને વચ્ચે બનાવના દિવસે રાતાના ભારતર નગર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે બોલાચાલી થઈ હતી. અહીં ઝઘડો ઉગ્ર બનતાં વિનોદે નીતુદેવીની ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. તેમજ લાશ નજીકની ઝાળીમાં ફેંકી દીધી હતી.