સુરતઃ ભાવનગરમાં ફરજ બજાવતા ક્લાસ વન અધિકારી પતિ અને ઉચ્ચ અધિકારી પત્નીએ સામસામી ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર જાગી છે. સુરતના ડિઝાસ્ટર સેલમાં મામલતાર તરીકે ફરજ બજાવતા મહિલાએ પોતાની દીકરીને નિઃસંતાન માસી સાસુને આપી દેવા માટે અને નોકરી નહીં કરવા માટે શારીરિક-માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકતા પતિ અને સાસુ સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાના પતિ ભાવનગરના કસ્ટમ એન્ડ એક્સાઇડ ડિપાર્ટમેન્ટમાં જોઇન્ટ કમિશ્નર તરીકે ફરજ બજાવે છે.

36 વર્ષીય મહિલા મામલતદાર ડો. દીપલ ભારાઈએ પતિ મિહીર રાયકા(ઉ.વ.41) અને સાસુ સુરેખાબેન સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદ કરી છે કે, જુલાઇ 2010માં તેમના લગ્ન મિહીર સાથે થયા હતા. હાલ, તેમને સંતાનમાં પુત્ર વેંદાત(ઉં.વ.9) અને દીકરી ધ્યાના(ઉં.વ.7) છે. વર્ષ 2013માં ધ્યાનાના જન્મ પછી સાસુ સુરેખાબેને તેમની નિઃસંતાન બહેન રસીલાબેન રાયકાને પુત્રી આપી દેવા શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેથી દીપલ જૂનાગઢ સ્થિત પિયરમાં ચાલી ગઈ હતી. જેથી મિહીરે છૂટાછેડા માટે નોટિસ મોકલી હતી. જોકે, દીપલે નોટિસનો વળતો જવાબ આપતાં તેઓ વચ્ચે સમાધાન થઈ ગયું હતું.



આ પછી વર્ષ 2015માં તેઓ અમદાવાદ રહેવા આવી ગયા હતા. આ દરમિયાન દીપલે જીપીએસસીની પરીક્ષા પાસ કરતા તેનું મામલતદાર તરીકે સિલેક્શન થયું હતું. જોકે, મિહીર અને તેના સાસુએ નોકરી ન કરવા માટે દબાણ કર્યું હતું. એટલું જ નહીં, બંને સંતાનોને પણ માતા વિરુદ્ધ ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી દીપલ ફરીથી પિયર ચાલી ગઈ હતી. તેમજ બંને સંતાનોને ત્યાંની સ્કૂલમાં અભ્યાસ માટે મૂકી દીધા હતા. જોકે, મિહીર બંને સંતાનોને દીપલની જાણ બહાર સુરત લઈ ગયો હતો. એટલું જ નહીં, દીપલ ઘરમાં આવી ન શકે તે માટે ત્રણથી ચાર સિક્યુરિટી ગાર્ડ ખડકી દીધા હતા. આ પછી વડીલોની સમજાવટથી બંને સંતાનોને દીપલને મળવા દેવાનું નક્કી કરાયું હતું. જોકે, મિહીર અને સાસુ સંતાનને મળવા દેતા નહોતા. જોકે, આ સમયે જ લોકડાઉન શરૂ થઈ ગયું હતું.

લોકડાઉન શરૂ થતાં ડિઝાસ્ટર મામલતદાર તરીકે દીપલની ડ્યુટી મહત્વની હોય તે ઘરે જાય ત્યારે વર્કફ્રોમ હોમ કરી રહેલા પતિ મિહીરે તું મને, મારી મા અને બંને સંતાનોને કોરોનાથી મારી નાંખવા માંગે છે, તેમ કહી ઘરમાં પ્રવેશવાનો ઇનકાર કરી દીધો હતો. ઉપરાંત વધુ સંતાનની માંગણી કરી મિહીર દીપલને આઇવીએફ સેન્ટર લઈ ગયો હતો. અહીં મિહીરના સ્પર્મ કાઉન્ટ ઘટી ગયા હોવાથી અને દીપલની ઉંમર 36 વર્ષની હોવાથી આઇવીએફ જોખમ ભર્યું હોવાની ડોક્ટરે સલાહ આપી હોવા છતાં મિહીરે સંતાન માટે શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હતો.



બીજી તરફ મિહીરની માતાએ સામી ફરિયાદ નોંધાવી છે. સુરેખાબેને મામલતદાર દીપલ અને તેના પરિવાર સામે ગંભીર આક્ષેપો કર્યો છે. તેમની ફરિયાદ છે કે, મિહીર રબારી સમાજમાંથી યુપીએસસીના આઇઆરએસમાં સિલેક્ટ થનાર પ્રથમ હોવાથી શુભેચ્છા આપવાના બહાને દીપલે સંબંધ વધાર્યા હતા અને પોતાની સગાઈ થઈ હોવાની વાત છુપાવી દિલ્લી ખાતે યુપીએસસીની તૈયારી કરતા મિહીર સાથે રહેતા ચાલી ગઈ હતી. આ પછી બંનેના લગ્ન કરાવ્યા હતા, પરંતુ લગ્નના 10 દિવસ પછી દીપલ ગુમ થઈ ગઈ હતી અને જૂનાગઢ પિયર ખાતેથી મળી આવી હતી. એટલું જ નહીં, તેમની ફરિયાદ છે કે, દીપલે કોર્ટમાં ફરિયાદ કરી મિહીર પાસેથી 5 લાખ રૂપિયા ળઈ સમાધાન કર્યું હતું. પોતાને ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને કિડનીની તકલીફ હોવા છતાં દીપલ ઘરકામમાં મદદ કરતી નહોતી. એટલું જ નહૂીં, ગળું દબાવી મારી નાંખવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ સિવાય માતા-પિતા અને ભાઈ ખોટા પોલીસ કેસમાં મિહીરને ફસાવી દેવાની ધમકી આપતાં હોવાની ફરિયાદ પણ કરી છે.