સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં યુવતીએ પતિ સામે જ પોલીસ ફરિયાદ કરતાં ચકચાર મચી ગઈ છે. પરિણીતાની ફરિયાદ છે કે, પતિ અશ્લીલ ફિલ્મો બતાવીને તે પ્રમાણે શરીર સંબંધ બાંધવા દબાણ કરે છે. પરિણિતાની ફરિયાદ છે કે, તેના પતિને અન્ય યુવતી સાથે લફરું છે અને તેની સાથે લગ્ન કરવા માટે તેને ત્રાસ આપે છે.

આ અંગેની વિગતો એવી છે કે, શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી 35 વર્ષીય યુવતીને સંતાનમાં એક દીકરો અને બે દીકરી છે. લગ્નના થોડા સમય પછી જ પતિ અને સાસરીવાળાએ દહેજ માટે ત્રાસ આપવાના શરૂ કરી દીધો હતો. જેને કારણે પરિણીતા એકવાર પિયર પણ જતી રહી હતી.

પરિણીતાની ફરિયાદ છે કે, પતિને અન્ય યુવતી સાથે લફરું છે, જેને કારણે પોતાને ઘરમાંથી કાઢી મૂકી છે. પતિ ફોનમાં અશ્લિલ ફિલ્મ બતાવીને તે પ્રમાણે પત્નીને શરીર સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. તેમજ તેનું પણ મોબાઇલમાં શુટિંગ કરવાનું કહેતો હતો. જોકે, પરિણીતા તેનો ઇનકાર કરતી તો તેને માર મારતો હતો. એટલું જ નહીં, તેનો સસરો પણ તેની સામે ખરાબ નજરે જોતો હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

પરિણીતાએ કંટાળીને કતારગામ પોલીસ સ્ટેશનમાં પતિ ઉપરાંત સસરા, સાસુ, દિયર સહિતના સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાની ફરિયાદના આધારે કતારગામ પોલીસે પતિ મહેશ, સાસુ-સસરા, નણંદ સહિતના સાતેક સાસરિયા સામે ગુનો નોંધી તપાસ આદરી છે.