સુરતઃ સુરતની યુવતી અન્વી ઝાંઝરૂકિયાને 'રાષ્ટ્રીય બાલિકા દિન' અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કર્યો છે. 'ધ રબર ગર્લ' તરીકે જાણીતી અન્વી ઝાંઝરૂકિયાનું પ્રજાસત્તાક દિને એટલે કે 26  જાન્યુઆરીએ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ગીર સોમનાથ ખાતે  સન્માન કરાશે.


કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ કલ્યાણ મંત્રાલયને દેશભરમાંથી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર માટે 600 બાળકો તરફથી અરજીઓ મળી હતી. આ પૈકી 2022ના વર્ષ  માટે 29 બાળકોની પસંદગી કરવામાં આવી હતી. તેમાં અન્વી ઝાંઝરૂકિયાનો પણ સમાવેશ થાય છે.


પોતાની શારીરિક અક્ષમતા છતાં સખત અને સતત મહેનત તેમજ કોઠાસૂઝથી યોગાસનમાં મહારથ મેળવી 'ધ રબર ગર્લ'નું બિરૂદ પ્રાપ્ત કરનારી સુરતની અન્વી સ્લો લર્નર છે અને જન્મજાત હૃદયની ખામી હોવાથી તેની ઓપન હાર્ટ સર્જરી પણ થઈ ચૂકી છે.  હાલમાં તેને માઈટ્રોટ વાલ્વ લિકેજ છે. અન્વી ડાઉન સિન્ડ્રોમ નામના રોગનો પણ સામનો કરી રહી છે અને તેનું આંતરડું 75 ટકા ડેમેજ છે.


અન્વી 75 ટકા બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવે છે અને બોલવામાં પણ સમસ્યા અનુભવે છે. આમ અનેક પ્રકારની શારીરિક અને માનસિક બિમારીથી ઝઝૂમી રહી હોવા છતાં મનોબળ મજબૂત રાખીને પરિશ્રમ કરીને તેણે આ સિધ્ધી મેળવી છે. અન્વી  100થી વધુ આસનો સરળતાથી કરી શકે છે. યોગમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની અનેકવિધ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલો જીતનારી અન્વીએ છેલ્લા ત્રણ વર્ષમાં રાષ્ટ્રીય સ્તરની યોગ સ્પર્ધાઓમાં ૩ સુવર્ણ ચંદ્રક અને ૨ કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. તેણે અત્યાર સુધી 51 જેટલા મેડલો મેળવ્યા છે.


અન્વીના પિતા વિજયભાઈએ કહ્યું કે, અન્વી પોતાનું દરેક કામ જાતે જ કરે છે. તે અમારા પર આધાર રાખતી નથી તે અમારા માટે ખુશીની વાત છે. તેની ઈચ્છા છે કે આગળ પણ તે યોગ અભ્યાસ કરીને દેશનું નામ રોશન કરે.  વડાપ્રધાન સાથે એક જ મંચ પર યોગ અને સૂર્ય નમસ્કાર કરવાની તેની ઈચ્છા છે.