Patan News : કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુકતા પાટણ APMCમાં તેની અસર જોવા મળી છે.  પાટણ APMCમાં છેલ્લા બે દિવસમાં 20 કિલોએ ઘઉંના ભાવમાં રૂ.130નો ઘટાડો જોવા મળ્યો હતો અને ઘઉંની આવકમાં વધારો થયો હતો. ગઈકાલે 14 મે ને શનિવારે પાટણ APMCમાં 730 બોરી ઘઉં આવ્યા હતા તેનો નીચો ભાવ રૂ.475 હતો ત્યારે ઉંચો ભાવ રૂ.651 હતા.


જયારે આજે 16 મે ના રોજ 910 બોરી ઘઉંની આવક થઈ હતી અને નીચા ભાવ રૂ.400 રહ્યા હતા ઉંચા ભાવ રૂ.520 હતા. પાટણ APMCમાં ઘઉંની આવકમાં 180 બોરીનો  વધારો જોવા મળ્યો હતો ત્યારે ભાવમાં રૂ. 130 મણે ઘટાડો જોવાં મળ્યો હતો.  ભાવમાં ઘટાડો થતા વેપારીઓ અને ખેડૂતોને નુકસાન જવાનું શકયતા વધી છે. 


સરકાર દ્વારા ઘઉંના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવતા તેની સીધી અસર  APMCમાં  વેચાણ કરવામાં આવતી ઘઉંની જણસી પર જોવા મળી રહી છે. પાટણ APMCમાં આજે રૂ.130 મણે ઘટાડો જોવાં મળ્યો હતો. સાથે વેચાણ માટે આવતા ઘઉંની બોરીમાં વધારો જોવાં મળ્યો હતો. આજે અચાનક ભાવમાં રૂ.130 મણે ઘટાડો થતા વેપારીઓ ચિંતિત થયા છે. પાટણ APMCના  સેક્રેટરીએ કહ્યું કે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેના કારણે આજે ઘઉંના ભાવ પર અસર પડી અને ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઘઉંની નિકાસ બંધ કરવાથી અત્યારે ભાવમાં રૂ.130 ઘટાડો થયો છે તેના કારણે નુકસાન થઈ શકે છે.


શુક્રવારે નિકાસ પ્રતિબંધની કરી હતી જાહેરાત 
ભારતે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્ર સરકારે શુક્રવારે મોડી રાત્રે એક નોટિફિકેશન બહાર પાડીને આ અંગે જાણકારી આપી હતી. સ્થાનિક ભાવને નિયંત્રણમાં રાખવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ભારત વિશ્વમાં ઘઉંના ઉત્પાદનમાં બીજા ક્રમે છે. સરકારે કહ્યું છે કે ઘઉંની નિકાસને તે લેટર ઓફ ક્રેડિટ હેઠળ મંજૂરી આપવામાં આવશે જે પહેલાથી જાહેર  કરવામાં આવી છે. ફેબ્રુઆરીના અંતમાં રશિયાના યુક્રેન પર આક્રમણ બાદ કાળા સમુદ્રના પ્રદેશમાંથી નિકાસમાં ઘટાડો થતાં વૈશ્વિક ખરીદદારો ઘઉંના પુરવઠા માટે ભારત તરફ વળ્યા હતા.


શા માટે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુકાયો? 
કેન્દ્ર સરકારના  વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવ્યું હતું, "દેશની એકંદર ખાદ્ય સુરક્ષાનું સંચાલન કરવા અને પડોશી અને અન્ય સંવેદનશીલ દેશોની જરૂરિયાતોને ટેકો આપવા માટે, કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે." 


ભારત સરકાર દ્વારા તેમની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતો પૂરી કરવા માટે આપવામાં આવેલી પરવાનગીના આધારે અને સરકારોની વિનંતીઓના આધારે અન્ય દેશોમાં નિકાસની મંજૂરી આપવામાં આવશે. ભારત સરકાર પાડોશી અને અન્ય સંવેદનશીલ વિકાસશીલ દેશોની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા માટે પ્રતિબદ્ધ છે, જે વૈશ્વિક ઘઉંના બજારમાં અચાનક ફેરફારોને કારણે પ્રતિકૂળ અસર કરે છે અને પર્યાપ્ત ઘઉંનો પુરવઠો મેળવવામાં અસમર્થ છે.