સોમવારે એટલે કે ગઈકાલે વડોદરા શહેરમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. અત્યાર સુંધીમાં 12 ઈંચ વરસાદ ખાબકતા વિશ્વામિત્રી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઇ છે.જેના કારણે નદીના પટની આજુબાજુના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. ખાનગી હોસ્પિટલો તેમજ રેસિડેન્શિયલ એરિયામાં પાણી ફરી વળતાં કેટલીક હોસ્પિટલોમાંથી દર્દીઓને અન્ય સ્થળે શિફ્ટ કરવાની ફરજ પડી છે. તેમજ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાયું. આ સિવાય શહેરના 50 જેટલા ફીડરોના અઢી લાખ જોડાણો પ્રભાવિત થતાં લાખો લોકો અંધારપટમાં જીવી રહ્યા છે.
વિશ્વામિત્રી નદીના પાણી સયાજીગંજ વિસ્તાર માં ફરિ વળતાં જન જીવન પ્રભાવિત થયું છે. પરશુરામ ભઠ્ઠા ના 300 કાચા પાકા મકાન પાણી માં ગરકાવ થયા છે, મોટા ભાગના લોકો ને ગઈકાલે જ સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવામાં આવ્યા છે. હજારો લોકોની ઘરવખરી પાણીમાં ડૂબી છે, જેનું કાર વિશ્વામિત્રી નું સતત વધતું જળસ્તર છે. વિશ્વામિત્રીનું સતત વધતું પાણી શહેરના લોકો માટે ખતરા સમાન સાબિત થયું છે. વિશ્વામિત્રીની સપાટી 34 ફૂટે પહોંચ્યા બાદ વડોદરાના સમા સાવલી રોડ, ફતેગંજ, કારેલીબાગ, તુલસીવાડી, હાથીખાના, અકોટા, જૂના પાદરા રોડ, વડસર જેવા સંખ્યાબંધ વિસ્તારોની સોસાયટીઓમાં નદીનાં પાણી ફરી વળવાના કારણે હજારો સોસાયટીઓ અને એપાર્ટમેન્ટો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
સોસાયટીઓમાં પાણી ફરી વળતાં હજારો લોકોનું સ્થળાંતર કરાયું
હાલમાં વડોદરાના 40 ટકા વિસ્તારમાં વિશ્વામિત્રીના પૂરના પાણી ફરી વળ્યા છે અને અનેક રહેવાસીઓની સ્થિતિ ભયાનક બની છે. જ્યારે નિચાણવાળા વિસ્તારોમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વડોદરાવાસીઓ માટે એક બીજી મુશ્કેલી એ પણ છે કે, સોમવારે પડેલા બાર ઈંચ વરસાદના કારણે ભરાયેલા વરસાદના પાણી હજુ પણ સોસાયટીઓમાંથી ઓસર્યા નથી. ગટરો જામ થઈ ગઈ હોવાથી જે વિસ્તારો વિશ્વામિત્રીના પૂરથી અસરગ્રસ્ત નથી તેવા વિસ્તારોની સોસાયટીઓમાં પણ પાણી તો ભરાયેલા જ રહ્યા છે. જેના કારણે લોકો અગવડ ભોગવી રહ્યા છે. મળતી માહિતી મુજબ આજવા ડેમની સપાટી અત્યારે પણ 214 ફૂટે યથાવત છે. આજવા ડેમનું પાણી વિશ્વામિત્રીમાં છોડવાનું ચાલું છે. જેના કારણે ઓછામાં ઓછા એક દિવસ સુધી તો વિશ્વામિત્રીમાં પૂરની સ્થિતિ હળવી થવાની કોઈ શક્યત નથી.
વડોદરાના અનેક ઘરોમાં અંધકારની સ્થિતિ
અવિરત વરસાડ અને ભારે પવનના કારણે વડોદરા શહેરના 50 જેટલા ફીડરોના અઢી લાખ જોડાણો પ્રભાવિત થયા છે. જેના કારણે હજારો સોસાયટીઓમાં ગઈકાલથી વીજળી નથી. પૂરના પાણી ઘરમાં ઘૂસી ગયા બાદ લાઈટોના અભાવે લોકો માટે પરિસ્થિતિ વધારે કપરી બની ચૂકી છે. ઉપરાંત વિશ્વામિત્રીના પાણી ફરી વળતાં સંખ્યાબંધ વિસ્તારોમાં વીજળી પૂરવઠો બંધ કરી દેવાયો છે. જો વાત કરીએ તો મધ્ય ગુજરાત વીજ કંપનીના સૂત્રોએ કહ્યું હતું કે, 50 જેટલા ફીડરો પરનો વીજ પુરવઠો ખોરવાયો હતો અને તેમાંથી 11 ફીડરો હજી પણ બંધ છે. આ ઉપરાંત વિશ્વામિત્રીના પૂરના પાણી શહેરમાં પ્રવેશ્યા હોવાથી 270 જેટલા ટ્રાન્સફોર્મરો પણ પાણીમાં છે અને આ ટ્રાન્સફોર્મરોના જોડાણો પરના કનેક્શન પણ બંધ છે. વીજ કંપનીને બે દિવસમાં લાઈટો જવાની હજારો ફરિયાદો મળી છે. જો કે પૂરના કારણે એવી સ્થિતિ છે કે, વીજ કંપનીનુ તંત્ર પણ તમામ જગ્યાએ પહોંચી વળે તેવી હાલતમાં નથી.