વડોદરા: ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદમાં થયેલા આતંકી હુમલામાં વડોદરાથી ગયેલા રહીશ અને તેમનો ત્યાં સ્થાયી થયુલો પુત્ર મિસિંગ હોવાનું બહાર આવતાં પરિવાર ચિંતીત બન્યો છે. વડોદરાના આરીફભાઈ વ્હોરા અને તેમનો પુત્ર રમીઝ વ્હોરા શુક્રવાર હોવાથી નમાઝ પઢવા ગયા હતા. જેઓ બે પૈકી કઈ મસ્જિદમાં હતા તે જાણી શકાયું નથી. પરિવાર સ્થાનિક પ્રંશાસનની મદદથી સંપર્ક કરવા પ્રયાસ કરશે.
વડોદરાના પાણીગેટ મેમણ કોલોની પાસે ધનાની પાર્કમાં રહેતા અને આરટીઓ તેમજ એલઆઈસીનું કામ કરતા આરીફભાઇ મહંમદભાઇ વ્હોરાના બે પુત્રો પૈકી મોટો પુત્ર ઓસ્ટ્રેલિયા છે. જ્યારે નાનો પુત્ર રમીઝ ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ ખાતે આઠ વર્ષથી સ્થાયી થયો હતો. ખાનગી કંપનીમાં નોકરી કરતાં રમીઝને ત્યાં પાંચ દિવસ અગાઉ પત્ની ખુશ્બૂએ પુત્રીને જન્મ આપ્યો હતો.
આ પૌત્રીને રમાડવા માટે આરીફભાઇ અને તેમનાં પત્ની રૂક્સાના બહેન ન્યુઝીલેન્ડ ગયાં હતાં. ક્રાઈસ્ટચર્ચ ખાતે રહેતા રમીઝ સાથે શુક્રવારની નમાઝ અદા કરવા આરીફભાઇ મસ્જિદમાં ગયા હતા. આ દરમિયાન આ જીવલેણ ગોઝારો આતંકી હુમલો થયો હતો.