વડોદરાઃ શહેરના વાસણા ભાયલી વિસ્તારમાં રહેતી વ્યક્તિને એક યુવતીએ મજા કરવાનું કહીને એક્ટિવા પર લઈ જઈ પોતાના સાગરીતોની મદદથી હનીટ્રેપમાં ફસાવી હતી અને તેને કારમાં પરાણે બેસાડી માર મારી 20 હજાર રૂપિયા પડાવી લીધા હતા. એટલું જ નહીં, બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી બીજા એક લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. જોકે, પછી પકડાઇ જવાની બીકે તેઓ આ વ્યક્તિને રસ્તા વચ્ચે છોડીને ભાગી ગયા હતા.



આ અંગેની વિગતો એવી છે કે, ગત સોમવારે બપોરે અપ્સરા ટોકિઝ પાસે રહેતી વૃત્તિ સંજય રાજપૂતે ઇલોરાપાર્ક પાસે 63 વર્ષીય કિરણ ભલુભાઇ ગઢવીને મોબાઇલથી ઇશારો કરતાં તેઓ તેની નજીક ગયા હતાં. કિરણભાઈ પાસે આવતાં જ વૃત્તિએ કહ્યું હતું કે, આજે મારે કોઇ ગ્રાહક નથી, મારે પૈસાની ખાસ જરૂર છે, તમે જેમ કહેશો તેમ હું કરીશ. આ વાત સાંભળી કિરણભાઈ લલચાઈ ગયા હતા.



કિરણભાઈએ સંમતિ દર્શાવતા વૃત્તિએ તેમનું એક્ટિવા ચલાવી લીધું હતું અને કિરણભાઈ પાછળ બેસી ગયા હતા. આ પછી વૃત્તિ તેમને એક્ટિવા પાછળ બેસાડી નિલામ્બર સર્કલ પાસે આવેલી પાણીની ટાંકી પાસે લઈ જઈ તે કિરણભાઈ સાથે અડપલા કરવા લાગી હતી. એટલીવારમાં સફેદ સ્વીફ્ટ ડીઝાયરમાં ત્રણ શખ્સો આવ્યા હતા અને બંનેને ધમકાવી કારમાં બેસાડી દીધા હતા. આ પછી કિરણભાઈને માર મારી એક શખ્સે 20 હજાર રૂપિયા, મોબાઇલ અને અન્ય વસ્તુઓ પડાવી લીધી હતી. તેમજ વધુ એક લાખ રૂપિયા માંગ્યા હતા. તેમજ ન આપે તો બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી આપી હતી.



જોકે, દોઢ કલાક કિરણભાઈને ફેરવ્યા પછી પકડાઇ જવાની બીક લાગતાં તેમને રસ્તામાં ઉતારી ભાગી ગયા હતા. કિરણભાઈએ આ અંગે પોલીસને જાણ કરતા અને કારનો નંબર આપતા પીઆઇ ખેર સહિતની ટીમે તપાસ કરતાં કાર ફતેપુરાના અમુલ રમેશ શિર્કેની માતાના નામની હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે ફૂટેજ મેળવી અમૂલ અને યુવતી સહિત 5ની ધરપકડ કરી હતી. હનીટ્રેપ ગોઠવી લૂંટ ચલાવવામાં એસઓજીનો પીએસઆઇ ચૂડાસમા બનનાર અમૂલ શિર્કે ફતેપુરાના નામીચા રમેશ પહેલવાનનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. તેનું મૂળ નામ હીરેન છે. સલીમ શેખ સહિતના સાગરિતો સાથે તે છેલ્લા ઘણા સમયથી સક્રિય છે.