વડોદરાઃ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરા સાથે ફ્રેન્ડશીપ કરીને યુવક તેને આજવાની હોટલમાં લઈ ગયો હતો અને તેની સાથે શારીરિક સંબધો બાંધીને શરીર સુખ માણ્યું હતું. એ પછી તેને વારંવાર બહાર લઈ જઈને સિંધરોટ પાસે મહિસાગર નદીની ઝાડીઓમાં સાત વાર શારીરીક સંબંધ બાંધીને ગર્ભવતી બનાવી દીધી હતી. છોકરીને 32 સપ્તાહનો ગર્ભ રહી જતાં આ સંબંધોનો ભાંડો ફૂટતાં પોલીસે યુવકની ધરપકડ કરીને તેની પૂછપરછ હાથ ધરી છે.

આ ઘટનાની વિગત એવી છે કે, શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરા દરગાહના મેળામાં ગઇ હતી ત્યારે તેની મુલાકાત મદાર મહોલ્લામાં રહેતા અઝીમુદ્દીન બદરુદ્દીન સૈયદ સાથે થઇ હતી. બંને વચ્ચે વાતચીત બાદ મોબાઇલ નંબરની આપ લે થઇ હતી. બંને વચ્ચે મોબાઇલ પર વારંવાર વાતો કરતાં ગાઢ મિત્રતા થઇ હતી અને બંને મળવા લાગ્યા હતા.

અઝીમુદ્દીન આઠેક મહિના પહેલાં તેને આજવા-નિમેટા ફરવા લઈ ગયો હતો અને આજવાની હોટલમાં તેની સાથે શારીરીક સંબંધ બાંધ્યા હતા. એ પછી અઝીમુદ્દીને સગીરાને સાત વખત મહિસાગર પાસે પણ ફરવાના બહાને લઇ ગયો હતો અને ત્યાં સિંઘરોટની ઝાડીઓમાં લઇ જઇ સગીરાની મરજી વિરૂધ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સંબંધોના કારણે સગીરા ગર્ભવતી બની હતી.

સગીરાને 32 સપ્તાહનો ગર્ભ થઈ ગયો ત્યારે પરિવારને જાણ થતાં સગીરાએ અઝીમુદ્દીને બળાત્કાર કર્યો હોવાનું જણાવતાં આ મામલે પોલીસમાં અઝીમુદ્દીન સામે ફરિયાદ નોંધી છે. પોલીસે અઝીમુદ્દીન સામે ગુનો નોંધી તેને ઝડપી લીધો હતો અને તેનો કોરોના ટેસ્ટ કરાવાની તજવીજ કરી હતી. અઝીમુદ્દીન અપરિણીત છે અને ફેબ્રિકેશનનું કામ કરે છે.