વડોદરાઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. તેમણે વડોદરામાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. દરમિયાન તેમણે નિવેદન આપ્યું હતું કે ગુજરાતના લોકો પાસેથી પ્રેમ અને વિશ્વાસ મળ્યો છે. ટ્રાઈબલ કમિટીના ચેરમેન આદિવાસી બનવા જોઈએ તેવી તેમણે વાત કરી હતી.
કેજરીવાલે કહ્યું કે અમે રાજનીતિ નહી કામ કરીએ છીએ. અમે જનતાના મુદ્દાઓ ઉઠાવીએ છીએ. ગુજરાતના લોકોનો હંમેશા પ્રેમ મળ્યો છે. અમે હંમેશા કામ પર જ મત માંગીએ છીએ. દિલ્હીમાં અમે 12 લાખ યુવાઓને રોજગારી આપી છે.
કેજરીવાલે દાવો કર્યો હતો કે જો અમારી સરકાર બનશે તો ગુજરાતના યુવાઓને રોજગારી આપીશું. જો અમારી સરકાર બનશે તો 10 લાખ નોકરી ઉપલબ્ધ કરાવીશું. વેપારીઓને ધમકાવવામા આવી રહ્યા છે. વેપારીઓએ દેશના વિકાસ માટે મોટુ યોગદાન આપ્યું છે. વેપારીઓમાંથી ડરનો માહોલ ખત્મ કરીશું.
કેજરીવાલે કહ્યું કે અમારી સરકાર બનશે તો આદિવાસીઓના વિકાસ માટે કામ કરીશુ. ટ્રાયબલ એડવાઇઝરી કમિટીનો ચેરમેન ટ્રાયબલ હશે. ગુજરાતમાં અમારી સરકાર આવશે તો 300 યુનિટ વીજળી મફત આપીશું. પેસા કાનૂન, ગ્રામસભાની મરજી વગર સરકાર કાર્યવાહી નહીં કરી શકે.
બંધારણની પાંચમી અનુસુચિ અને PESA કાયદાનો કડક અમલ આદિવાસી સલાહકાર સમિતિના અધ્યક્ષ એક આદિવાસી જ બનશે. આદિવાસી બાળકોની શિક્ષા દરેક જિલ્લામાં રહેણાંક સુવિધા સાથેની આધુનિક શાળાઓ, આદિવાસી ઇતિહાસ, ભાષા અને સંસ્કૃતિ અને સભ્યતા વિશે ભણતર અને સંશોધન અર્થે આદિવાસી વિશ્વવિદ્યાલયની શરૂઆત. આદિવાસી વિસ્તારોમાં દિલ્હીની જેમ આધુનિક મોહલ્લા ક્લિનિક અને હોસ્પિટલ, સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયા જેવા રોગોની યોગ્ય અને સસ્તી સારવારની વ્યવસ્થા કરવામા આવશે. જાતિ પ્રમાણપત્ર કઢાવવાની પ્રક્રિયાને સરળ બનાવીશું. તમામ આદિવાસી ગામ સુધી મુખ્ય રોડને જોડતો પાકો રોડ અને સરકારી પરિવહનની સુવિધા આપવાનું પણ કેજરીવાલે ગેરન્ટી આપી હતી.
રેવડી મામલે કેજરીવાલે કહ્યું કે આ સરકારે 10 લાખ કરોડ રૂપિયા તેમના મિત્રોને વહેંચી દીધા. જેની જેની લોન માફ કરાઈ તેની તપાસ થવી જોઈએ.