વડોદરાઃ વડોદરામાં બિઝનેસમેને કંપનીમાં નોકરી કરતી 24 વર્ષની યુવતીને મીટિંગના બહાને ગોઆ લઈ જઈ ત્રણ દિવસમાં સાત વાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. બિઝનેસમેને યુવતીને ઘર લેવા માટે 8 લાખ રૂપિયાની મદદ કરી હતી પણ ગોઆથી પાછા ફર્યા બાદ તેણે યુવતીને નોકરીમાંથી કાઢી મૂકીને નાણાંની ઉઘરાણી શરૂ કરીને ત્રાસ આપવા માંડ્યો હતો. આ અંગે યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોધાવી છે.


આ ઘટનાની વિગત એવી છે કે, શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી 24 વર્ષની યુવતીએ વિદેશી યુનિવર્સિટી સાથે મળીને કામ કરતી એજ્યિકેશન કંપનીના માલિક સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે, હું 2017થી ઓરિઅન્ટ કંપનીમાં કાઉન્સિલર તરીકે નોકરી કરતી હતી. 2019માં મારે ઘર લેવાનું હોવાથી 8 લાખ રૂપિયાની જરૂર પડતાં મેં લોન લેવાનું વિચાર્યું હતું પણ બિઝનેસમેને કહ્યું કે, તારે લોન લેવાની જરૂર નથી. હું તને હાલમાં 8 લાખ રૂપિયા આપુ છું. તારા પગારમાંથી દર મહિને હપ્તારૂપે આ રૃપિયા કાપી લઇશ એમ કહી તેમણે એક લાખ રૂપિયા મારા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. બાકીના સાત લાખ રૃપિયા તેમણે મને રોકડા આપ્યા હતા.

થોડા સમય પછી માલિક મારી સાથે છૂટ લેવા લાગ્યા હતા. ઘણી વાર સ્ટાફ ઘરે જતા રહ્યા પછી મને ઓફિસમાં બોલાવી મારો હાથ પકડી મને આલિંગનમાં લેવાની કોશિશ કરતા હતા. તેમની આ અશ્લીલ હરકતોનો વિરોધ કરી મેં તેમને કહ્યું હતું કે, મને તમારો આ વ્યવહાર પસંદ નથી.

તેમણે મને એવી ધમકી આપી હતી કે, મારી સાથે પ્રેમસંબંધ ના રાખવો હોય તો મારા આપેલા રૂપિયા હમણાં જ મને આપી દે. મેં તેમને ૩ લાખ રૂપિયા પરત આપી દીધા હતા. ત્યાર બાદ ઓફિસના કામે કોન્ફરન્સમાં ગોવા જવાનો વિજય અગ્રવાલે મને મેસેજ કર્યો હતો. મેં તે માટે ના પાડી દેતાં તેમણે ફરીથી બાકીના પાંચ લાખ રૂપિયાની કડક ઉઘરાણી કરતાં હું ગોવા જવા તૈયાર થઇ હતી અને અમે 20 ફેબ્રુઆરી, 2020ના રોજ અમદાવાદથી ફલાઇટમાં ગોવા ગયા હતા અને ગોવાની ''ગ્રેન્ડ લીયોની'' હોટલમાં રોકાયા હતા.

યુવતીનો આક્ષેપ છે કે, હોટલની રૂમમાં ગયા પછી માલિકે મારી સાથે શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. બળજબરીપૂર્વક મને બેડ પર સુવડાવીને મારી સાથે જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યો હતો. તે રાત્રે ફરીથી બે વખત મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. બે દિવસ પછી 22 ફેબ્રુઆરીએ તેણે મારી પાસે બાકીના રૃપિયાની ઉઘરાણી કરી ત્રણ વખત મારી સાથે બળજબરીથી શરીર સુખ ભોગવતાં મારી તબિયત બગડી ગઇ હતી. આમ છતાં 23 ફેબ્રુઆરીએ તેણે તેની હવસ સંતોષી હતી. તે પછી 24મી તારીખે અમે ગોવાથી વડોદરા પરત આવ્યા હતા અને અઠવાડિયા પછી મને નોકરીમાંથી કાઢી મૂકી હતી. જે-તે સમયે હું ડરી ગઇ હતી અને બદનામીના ભયથી ફરિયાદ કરી ન હતી. હજીય માલિક મને એવા મેસેજ કરે છે કે તું મને મળવા આવ. તેના આવા ત્રાસના કારણે મેં તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.