Vadodara News: વડોદરામાં મિલાવટખોરો સામે કોર્પોરેશનના ખોરાક વિભાગનો લાલ આંખ કરી છે. કોર્પોરેશને ભેળસેળ કરતી 22 દુકાન અને રેસ્ટોરન્ટનાં લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. હાથીખાનાં માર્કેટ યાર્ડની પાંચ સહિત 22 દુકાનો પર કોર્પોરેશને સપાટો બોલાવ્યો છે. થોડા સમય પહેલા ફુડ સેફ્ટી ઓફિસરોએ લીધેલા ખાદ્ય પદાર્થ માંથી ભેળસેળ મળી આવી હતી. જેથી 22 નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર કર્યા હતાં.


ભેળસેળ મળી આવ્યા બાદ 22 વેપારીને ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સુધારણા કરવાની નોટી ફટકારવામાં આવી હતી. 15 દિવસનો સમય વીત્યો હોવા છતાં કોઈ સુધારા ન કરાતા કોર્પોરેશને કાર્યવાહી કરી છે. એક ઝાટકે 22 દુકાન અને રેસ્ટોરન્ટના લાયસન્સ એક મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. જો વેપારીઓ જે તે પ્રોડક્ટનું વેચાણ કરતા પકડાશે તો તેમના વિરુદ્ધ એફ.એસ.એસ.આઇ એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરાશે.


પશુદાણમાં ભેળસેળ કરનારા વિરૂદ્ધ ફોજદારી સુધીની કાર્યવાહીના સરકારે આદેશ આપ્યા હતા. ભેળસેળ કરનાર વેપારી,ઓઈલ મિલો,ઉત્પાદકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવું સરકારે જણાવ્યું હતું.


આગામી સમયમાં રાજ્યભરમાં દરોડાની કાર્યવાહી કરવા પશુપાલન મંત્રી રાઘવજી પટેલે આદેશ આપ્યો હતો. રાજ્યમાં પશુઓના દાણ ખાસ કરીને કપાસિયાના ખોળમાં વેપારીઓ, ઓઈલ મિલો તેમજ ઉત્પાદકો જુદા જુદા કેમિકલો, બેન્ટોનાઈટ માટી, લાકડાનો વેર, અખાદ્ય અનાજ જેવા પદાર્થોની ભેળસેળ કરતા આવે છે.  આ ભેળસેળના કારણે પશુઓમાં રોગચાળો, પશુ દૂધમાં આવા ઝેરી તત્વ ભળતા માનવીના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થાય છે. જેનાથી કેન્સર જેવા ભયાનક રોગ થાય છે. આ અંગેની ગુજરાત કોટન સીડ્સ ક્રશર્સ એસોસિએશન, ગ્રાહક સુરક્ષા અને કિસાન સંઘે સરકારને આજે રજૂઆત કરવામાં આવી હતી.


આ પ્રશ્નને ગંભીરતાથી લઇને રાજ્ય સરકારે પુરવઠા અને પોલીસ વિભાગ, વિવિધ એસોસિએશન સહિત તમામને સાથે લઇને ભેળસેળયુક્ત પશુદાણ બનાવતા ઉત્પાદકો સામે દરોડો પાડીને ફોજદારી સુધીની કડક કાર્યવાહી કરીને પશુઓ અને પશુપાલકોના હિતમાં આ ભેળસેળની પ્રક્રિયા સદંતર બંધ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.


સરકારના નિર્ણયને કિસાન સંઘે આવકાર્યો હતો. ભારતીય કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી આર.કે પટેલે કહ્યું હતું કે ભેળસેળ રોકી પશુધનને બચાવવુ તે વિકાસનું કાર્ય છે. MLAએ આવા ભેળસેળને રોકવા જોઈએ. ભેળસેળીયા વિરૂદ્ધ તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. ભેળસેળથી પશુધન અને માનવના સ્વાસ્થ્ય પર અસર થાય છે.