Vadodara:  વડોદરાની એસએસજી હોસ્પિટલમાં પીડિયાટ્રીક વિભાગમાં એક બાળકીના મોત બાદ ગુસ્સે થયેલા પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. બાદમાં ડોક્ટરે પોલીસને બોલાવતા મામલો થાળે પડ્યો હતો. પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારી રાખવાનો આરોપ લગાવ્યો હતો. જોકે ડોક્ટરે તમામ આરોપોને ફગાવી દીધા હતા.




મળતી જાણકારી અનુસાર, શહેરની એસએસજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં સ્નાયુ ખેંચાવાની બીમારીથી પીડાતી નેન્સી સોલંકીને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. આ સમયે હોસ્પિટલમા હાજર ડોક્ટરે બાળકીની પ્રાથમિક તપાસ બાદ MRI રિપોર્ટ કરાવવા સૂચના આપી હતી. જેથી પરિવારે મંજૂરી આપી હતી. MRI માટે બાળકીને એનેસ્થેસિયાની જરૂરત હતી. એનેસ્થેસિયા બાદ બાળકીને ટેસ્ટ માટે લઈ ગયા હતા. આ સમયે જ બાળકીનું મોત થતા પરિવારને જાણ કરી હતી.                                


બાળકીના મોતથી પરિવારજનો ગુસ્સે થયા હતા અને ડોક્ટર પર એનેસ્થેસિયાના હાઈડોઝ આપ્યાનો આરોપ લગાવી પીડિયાટ્રિક વિભાગમાં તોડફોડ કરી હતી. ઘટનાને પગલે તબીબોએ તાત્કાલિક પોલીસને બોલાવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો. ડોક્ટરે નિદાન પ્રક્રિયા માટે એનેસ્થેસિયા જરૂરી હોવાનો દાવો કર્યો હતો. હાલ તો બાળકીના મોતના પગલે પરિવારમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.             


રાજકોટમાં રખડતાં શ્વાને વધુ એક જીવ લીધો છે. જંગલેશ્વર વિસ્તારમાં 4 વર્ષની બાળકીને રખડતાં કૂતરાઓએ ફાડી ખાધી હતી. 7-8 રખડતાં શ્વાન બાળકી પર તુટી પડતાં તેનું સ્થળ પર તડપી તડપીને મોત થયું હતું. જંગલેશ્વર વિસ્તારમાં આવેલા વોકળાના કારણે શ્વાનો એકઠા થાય છે,જેને લઇને સ્થાનિકો હેરાન થાય છે. રખડતાં શ્વાનો અંગે સ્થાનિકોએ RMCમાં લેખિત ફરિયાદ કરી છે,પરંતુ કોઈ કાર્યવાહી કરાઈ નથી.             


શ્વાનનો આતંક વધતા રાજકોટ મહાનગરપાલિકાએ રસીકરણ અને ખસીકરણની કામગીરી તેજ બનાવી હતી. લાખો રૂપિયાના ખર્ચે રસીકરણ અને ખસીકરણની કામગીરી થઈ હોવાના દાવાઓ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ પાલિકાના દાવા પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, શ્વાનના આતંકના કિસ્સા સતત સામે આવી રહ્યા છે.