ફાજલપુર ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં બે દિવસ પહેલાં કેટલાક માછીમારો કામ કરતા હતા ત્યારે પાણીના પ્રવાહમાં બે મૃતદેહ તરતા જોઈને નંદસેરી પોલીસને જાણ કરી હતી. નંદેસરી પોલીસ મથકના પીએસઆઈ ડીએલ વસાવા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે સ્થાનિક તરવૈયાની મદદથી મૃતદેહ બહાર કાઢ્યા હતા. મૃતક પુરૂષના ખિસ્સામાંથી મળેલા આધારકાર્ડના આધારે પોલીસને તેનું નામ ઘનશ્યામ ઘેલાભાઈ વાલ્મિકી અને મહિલાનું નામ નયનાબેન કિરણભાઈ સોલંકી (બંને રહે. વાલ્મીકીનગર ગોરવા) હોવાનું જાણવા મળ્યું હતુ.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નયનાબેન અને ઘનશ્યામભાઈ પરિણીત હતાં. તેમની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમસંબંધ હતો. 21 નવેમ્બરે બંને ઘર છોડીને જતા રહ્યા હતા. આ અંગે તેમના પરિવારે ગોરવા પોલીસ મથકમાં અરજી પણ આપી હતી. બંનેએ એકબીજાના હાથ ઓઢણીથી બાંધીને મહીસાગર નદીમાં ઝંપલાવતાં તેમના મોત થયા છે. પ્રાથમિક તપાસમાં બંનેએ આપઘાત કર્યો હોવાનું જણાઈ આવ્યું છે. નયનાબેનને એક જ્યારે ઘનશ્યામને બે સંતાનો છે. નયનાબેન ઘરકામ કરતા હતા જ્યારે ઘનશ્યામ છૂટક મજૂરી કામ કરતો હતો.