રાજપીપળાઃ સમગ્ર રાજ્યની સાથે સાથે નર્મદા જિલ્લામાં પણ હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે તંત્ર અને વેપારીઓની સમજૂતીથી રાજપીપળામાં ચાર દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન નો નિર્ણય લેવાયો છે. આજે 20 એપ્રિલ 2021 મંગળવાર થી 23 એપ્રિલ શુક્ર વાર સુધી ચાર દિવસ રાજપીપળામાં તમામ દુકાનો વેપાર બંધ રાખવા નિર્ણય લેવાયો છે.
આજથી રાજપીપળાના બજારો સંપૂર્ણ બંધ રહેશે. વિવિધ વેપારી મંડળ, કાપડ એસોસિએશન, સલૂન એસોસિએશન, શાકભાજી એસોસિએશન ,સોની સહિત તમામ સંગઠનોના પ્રમુખો મિટિંગમાં હાજર રહ્યા હતા. હાલ જ્યારે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોરોના સંક્રમણ અટકાવવા રાજપીપળા પ્રાંત અધિકારી કે.ડી. ભગત તેમજ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક,રાજેશ પરમાર અને રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપ સિંહની અધ્યક્ષતામાં મળેલી મીટિંગમાં લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો. જોકે આવશ્યક ચીજવસ્તુ પેટ્રોલ પંપ, દવાને દૂધની દુકાનો જ ખુલ્લી રાખવમાં આવી છે.
સોમવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 11,403 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 117 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5494 પર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 4179 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,41,724 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 68 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 68754 પર પહોંચ્યો છે. જેમાંથી 341 લોકો વેન્ટિલેટર પર અને 68413 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 82.15 ટકા છે.